android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Thangadh: ગૌશાળાના નામે લક્કી ડ્રોમાં કરોડોની છેતરપિંડીનો આરોપ, 3.25 કરોડના મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત

calendar_todayJanuary 17, 2026

Thangadh: ગૌશાળાના નામે લક્કી ડ્રોમાં કરોડોની છેતરપિંડીનો આરોપ, 3.25 કરોડના મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા એક લક્કી ડ્રોમાં મોટી ઠગાઈ થઈ હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચ્યો છે. કૃષ્ણ ગૌશાળાના નામે ટિકિટો વેચીને લાખો લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ આયોજકો ડ્રો કર્યા વગર જ ગાયબ થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ મામલે છેતરાયેલા લોકોએ હવે ન્યાય માટે તંત્રના દ્વાર ખખડાવ્યા છે.

ગૌશાળાના નામે કરોડોનું ઉઘરાણું

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરાપરની કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોની ટિકિટો થાનગઢ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે વેચવામાં આવી હતી. આક્ષેપ છે કે આયોજકોએ ટિકિટ વેચીને આશરે રૂપિયા ૩.૨૫ કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી. ગૌસેવાના નામે લોકોએ હોંશે-હોંશે ટિકિટો ખરીદી હતી, પરંતુ આયોજકોનો ઇરાદો કંઈક અલગ જ હતો.

સવારથી રાત સુધી પ્રતીક્ષા, અંતે મળ્યો વિશ્વાસઘાત

ગુરુવારે આ ડ્રો યોજાવાનો હોવાથી જે લોકોએ ટિકિટ લીધી હતી તેઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સવારથી લઈને છેક મોડી રાત સુધી લોકો પોતાના નંબર લાગવાની અને વિજેતા જાહેર થવાની આશામાં તડપતા રહ્યા હતા. પરંતુ કલાકો વીત્યા બાદ પણ આયોજકો દ્વારા ડ્રોની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. અંતે આયોજકો ડ્રો કર્યા વગર જ રફુચક્કર થઈ જતાં લોકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત અને કાર્યવાહીની માંગ

આગલી રાત્રે છેતરાયા હોવાની જાણ થતાં જ ટિકિટ ખરીદનારાઓ અને સ્થાનિકો આજે મોટી સંખ્યામાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા.લોકોએ ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી હતી. ડ્રોના આયોજન સાથે જોડાયેલા ૬ મુખ્ય સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને લોકોના પૈસા પરત અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કમલમ ખાતે ભાજપની હાઈપ્રોફાઈલ બેઠક, SIR અંતર્ગત થયેલી કામગીરીની વિધાનસભા વાઈઝ સમીક્ષા કરાઈ