calendar_todaySeptember 4, 2026
Tharadના નવા રામજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઉમટ્યું મહેરામણ
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ સેવા સમિતિના સભ્યો દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. કથાના પાવન પ્રસંગોની ઉજવણી સાથે સમગ્ર વિસ્તાર ધાર્મિક અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો છે.

શાસ્ત્રી મોન્ટુ મહારાજે કરાવ્યું કથારસપાન
ભાગવત કથા દરમિયાન વ્યાસપીઠ પરથી સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી મોન્ટુ મહારાજ પોતાની મધુર વાણીમાં શ્રદ્ધાળુઓને કથાનું ભાવપૂર્વક રસપાન કરાવી રહ્યા છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કથા મંડપમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. "નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી" ના નાદ સાથે આખો મંડપ ગુંજી ઊઠ્યો હતો.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો રહ્યા ઉપસ્થિત
આ ધાર્મિક પ્રસંગે કથાનો લાભ લેવા માટે થરાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ સેવા સમિતિના સભ્યો દ્વારા તમામ ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જન્માષ્ટમીના પ્રસંગે ભાવિકોએ કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.