calendar_todayJanuary 19, 2026
Tharad: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર કારમાંથી 14.60 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, પતિ-પત્ની સહિત ત્રણની ધરપકડ
ગુજરાતમાં માદક પદાર્થોના પ્રવેશને રોકવા માટે સતર્ક બનેલી પોલીસે બનાસકાંઠાની ખોડા ચેકપોસ્ટ પરથી એક મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે પોલીસે એક દંપતી અને કાર ચાલકની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે, પોલીસની તપાસથી બચવા માટે આરોપીઓએ કાર પર રાજકીય પાર્ટીનું બોર્ડ લગાવ્યું હતું.
ચેકપોસ્ટ પર ફિલ્મી ઢબે તપાસ
થરાદ પોલીસની ટીમ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, ત્યારે રાજસ્થાન તરફથી આવતી એક સ્વિફ્ટ કાર (નંબર: DL-02-CBC 4878) શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. આ કાર પર "ભગવા પાર્ટી કેસરી પ્રક્રોષ્ટ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ" લખેલું બોર્ડ મારેલું હતું, જેથી પોલીસ તેમને અટકાવે નહીં. જોકે, પોલીસે કડકાઈથી તપાસ કરતા કારમાંથી 146 ગ્રામ મેથા એમ્ફેટામેઇન (MD ડ્રગ્સ) મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹14.60 લાખ થાય છે.
પતિ-પત્નીનું ડ્રગ્સ કનેક્શન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ રાજસ્થાનના સાંચોરથી મહેસાણા ખાતે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે,વલી મહંમદ મુબારક સિન્ધી (પતિ),બોરુબેન વલી મહંમદ મુબારક સિન્ધી (પત્ની),કાર ચાલક.
NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
થરાદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સાંચોરના કયા શખ્સ પાસેથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું અને મહેસાણામાં તેને કોને સપ્લાય કરવાનું હતું. રાજકીય બોર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાના આ કીમિયાએ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.
આ પણ વાંચો: હજીરામાં રૂમ પાર્ટનરોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ, પંજાબી યુવકની ગળું કાપી નિર્મમ હત્યા