calendar_todaySeptember 16, 2026
Una: ઉમેદપરા પાસે રૂપેણ નદીના પુલ પરથી માછલી ભરેલો આયશર ટ્રક 15 ફૂટ નીચે ખાબક્યો! અકસ્માતમાં 1 વ્યક્તિનું કરુણ મોત
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 15 સપ્ટેમ્બરે મોડી રાત્રે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. તાલુકાના ઉમેદપરા ગામ નજીક આવેલા રૂપેણ નદીના પુલ પરથી પસાર થઈ રહેલો માછલી ભરેલો આયશર ટ્રક અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં પુલની પ્રોટેક્શન રેલિંગ તોડીને અંદાજે 15 ફૂટ નીચે સીધો નદીના પટમાં ખાબક્યો હતો.
રૂપેણ નદીમાં ટ્રક ખાબક્યો
આ ભયાનક ગોઝારા અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. દુર્ઘટનાના કારણે મૃતકના ત્રણ માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં સમગ્ર પંથક અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ટ્રકમાંથી બહાર કાઢી વધુ સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત
ઘટના અંગે જાણ થતાં જ ગીર ગઢડા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે થયો છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં તપાસ તેજ કરી છે.