calendar_todayJanuary 22, 2026
Union Budget 2026 : મધ્યમ વર્ગની મોટી આશા, શું ₹15 લાખ સુધીની આવક બનશે ટેક્સ-ફ્રી?
નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશના મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગની નજર કેન્દ્ર સરકાર પર ટકેલી છે. ખાસ કરીને સુરતના અર્થશાસ્ત્રીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ આગામી બજેટને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, જેમાં મુખ્યત્વે કરવેરામાં રાહત અને સામાજિક સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.
₹15 લાખ સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરવામાં આવે
આવકવેરામાં મોટી રાહતની આશા વધતી જતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગની સૌથી મોટી માંગ આવકવેરા મુક્તિની મર્યાદા વધારવાની છે. હાલમાં નવી ટેક્સ રજીમ હેઠળ અમુક મર્યાદા સુધી રાહત મળે છે, પરંતુ નિષ્ણાતો અને કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે કે ₹15 લાખ સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી કરવામાં આવે. જાણીતા અર્થશાસ્ત્રીના મતે, સરકાર વધુ કરદાતાઓને નવી ટેક્સ રજીમ તરફ વાળવા માટે HRA, હોમ લોન વ્યાજ અને વીમા પ્રીમિયમ પર મળતી કપાતને નવી સિસ્ટમમાં પણ સ્થાન આપી શકે છે.
જોબ સિક્યુરિટી ઇન્શ્યોરન્સ યોજના શરૂ કરવા ભલામણ
જોબ સિક્યુરિટી અને ગિગ વર્કર્સની સુરક્ષા ખાનગી ક્ષેત્રમાં વધતી જતી અનિશ્ચિતતાને જોતા, નોકરિયાત વર્ગે ‘જોબ સિક્યુરિટી ઇન્શ્યોરન્સ’ યોજના શરૂ કરવા ભલામણ કરી છે. જો કોઈ કારણસર નોકરી છૂટી જાય, તો સરકાર નિશ્ચિત સમય સુધી આર્થિક ટેકો આપે તેવી વ્યવસ્થાની માંગ છે. આ ઉપરાંત, ઝોમેટો, સ્વિગી અને ઓલા-ઉબેર જેવા પ્લેટફોર્મ પર કામ કરતા ‘ગિગ વર્કર્સ’ માટે સસ્તી અને સુલભ આરોગ્ય વીમા યોજનાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ઇંધણ અને GST અંગેની માગ
ઇંધણ અને GST અંગેની માગ સામાન્ય લોકોની ચિંતાનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે. જનતાની માંગ છે કે ઇંધણને GSTના દાયરામાં લાવવામાં આવે. જો આમ થાય, તો પરિવહન ખર્ચ ઘટવાની સાથે રોજીંદી વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.
સામાન્ય જનતા રાખી રહી છે અનેક અપેક્ષા
કુલ મળીને, બજેટ 2026 પાસેથી લોકો એવી નીતિઓની અપેક્ષા રાખી રહ્યા છે જે ‘કોસ્ટ ઓફ લિવિંગ’ ઘટાડે અને સામાન્ય માણસના હાથમાં વધુ રોકડ બચત રહે તેવા પ્રયાસો કરે. હવે જોવાનું એ રહેશે કે સરકાર રાજકોષીય ખાધને સંતુલિત રાખીને સામાન્ય માણસની આ આશાઓને કેટલી હદ સુધી પૂર્ણ કરે છે.
આ પણ વાંચોઃ Union Budget 2026 : શું વરિષ્ઠ નાગરિકોને મળશે મોટી કર ભેટ? ભાડાની આવક પર મળશે TDS રાહત !