calendar_todayJanuary 29, 2026
UP: યોગી સરકારની શિક્ષકોને હેલ્થ ગિફ્ટ, 12 લાખ કર્મચારીઓને હવે મળશે ફ્રી કેશલેસ સારવાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે રાજ્યના અંદાજે 11.92 લાખ શિક્ષકો અને શિક્ષણ કર્મચારીઓને કેશલેસ ચિકિત્સા સુવિધાનો લાભ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે આ કર્મચારીઓ પણ રાજ્યના અન્ય સરકારી કર્મચારીઓની જેમ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકશે.
આયુષ્માન મોડેલ પર અમલીકરણ
આ યોજના આયુષ્માન ભારત યોજનાની તર્જ પર અમલમાં મૂકવામાં આવશે. જેનો સીધો લાભ શિક્ષકો, શિક્ષામિત્રો, અનુદેશકો અને મધ્યાહન ભોજનના રસોઈયાઓને પણ મળશે. આ યોજના પાછળ સરકાર વાર્ષિક અંદાજે 358.61 કરોડ રૂપિયાનો ખર્ચ ભોગવશે. તે જ રીતે માધ્યમિક શિક્ષણ વિભાગના અંદાજે 3 લાખ કર્મચારીઓ માટે પણ અલગથી 89.25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોકે, જે કર્મચારીઓ પહેલેથી જ કોઈ સરકારી સ્વાસ્થ્ય યોજનાનો લાભ લે છે, તેમને આમાં આવરી લેવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીનો વાયદો પૂર્ણ
નોંધનીય છે કે, ગત વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ આ સુવિધા આપવાની જાહેરાત કરી હતી, જેનો હવે વિધિવત અમલ થવા જઈ રહ્યો છે. કેબિનેટ બેઠકમાં કુલ 32 પ્રસ્તાવોમાંથી 30ને મંજૂરી અપાઈ હતી.
અન્ય મહત્વના નિર્ણયો
આ બેઠકમાં શિક્ષણ ઉપરાંત અન્ય વિકાસલક્ષી નિર્ણયો પણ લેવાયા છે
શહેરી પુનર્વિકાસ નીતિ 2026: શહેરના વિકાસ માટે નવી નીતિને મંજૂરી અપાઈ
નકશા મંજૂરી: મકાન કે બિલ્ડિંગના નકશા પાસ કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવશે.
સાયન્સ પાર્ક: બરેલી અને મોરાદાબાદમાં નવા સાયન્સ પાર્ક અને નક્ષત્રશાળા (Planetarium) ની સ્થાપના કરવામાં આવશે.