calendar_todayMay 4, 2026
UPIએ બનાવ્યો નવો રેકોર્ડ, એપ્રિલ 2026માં થયા 22.35 બિલિયન ટ્રાન્ઝેક્શન
ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ફરી એકવાર વિશ્વમાં પોતાની મજબૂત હાજરી સાબિત કરી રહ્યું છે. UPIએ એપ્રિલ 2026માં 22.35 અબજ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા માર્ચ 2026માં આ આંકડો 22.64 અબજ સુધી પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર હતો. ફેબ્રુઆરીમાં તે 20.39 અબજ હતો, જે સતત વધતી ગતિ દર્શાવે છે.
ડિજિટલ પેમેન્ટમાં આ વર્ષે લગભગ 25%નો વધારો નોંધાયો
સરકારી આંકડા મુજબ, UPI હવે દેશના કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લગભગ 85% ભાગને સંભાળી રહ્યું છે. એપ્રિલ 2025ની તુલનામાં આ વર્ષે લગભગ 25%નો વધારો નોંધાયો છે, જે તેની ઝડપી લોકપ્રિયતા દર્શાવે છે. UPIની સફળતાનું મુખ્ય કારણ તેની સરળતા અને સુરક્ષા છે. તેમાં બે-સ્તરીય ઓથેન્ટિકેશન સિસ્ટમ હોય છે. મોબાઈલ નંબર અને UPI પિન, જે ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવે છે. ઝડપી અને સરળ પ્રક્રિયાને કારણે નાના વેપારીઓથી લઈને મોટા બિઝનેસ સુધી દરેક તેનો ઉપયોગ કરી રહ્યા છે.
UPI હવે માત્ર ભારત સુધી સીમિત નથી રહ્યું
UPI હવે માત્ર ભારત સુધી સીમિત નથી રહ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે પણ તેનું વિસ્તરણ થઈ રહ્યું છે. તે હવે સંયુક્ત અરબ અમીરાત, સિંગાપુર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ, મોરિશિયસ અને કતાર સહિત આઠ દેશોમાં ઉપલબ્ધ છે. આથી વિદેશમાં રહેતા અથવા મુસાફરી કરતા ભારતીયોને સરળ પેમેન્ટ સુવિધા મળે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ સમગ્ર સિસ્ટમનું સંચાલન કરે છે અને તેને સતત વધુ મજબૂત બનાવી રહ્યું છે. UPI હવે વિશ્વના રિયલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં લગભગ 50% હિસ્સો ધરાવે છે, જે ભારતની ટેક્નોલોજી ક્ષમતાનું મોટું ઉદાહરણ છે.
આ પણ વાંચો: West bengal Election Result 2026: હિંદુ વિરોધીની આ સ્થિતિ જ થશે, TMCની હાર પર નવનીત રાણાનો કટાક્ષ