android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
UPSC New Rule: IAS અને IPS માટેના નિયમોમાં ધરખમ ફેરફાર, ફરી પરીક્ષા આપનારાઓ માટે નિયમો કડક!

calendar_todayFebruary 5, 2026

UPSC New Rule: IAS અને IPS માટેના નિયમોમાં ધરખમ ફેરફાર, ફરી પરીક્ષા આપનારાઓ માટે નિયમો કડક!

સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2026 માટેની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે આયોગે માત્ર ખાલી જગ્યાઓની વિગત જ નહીં, પરંતુ પાત્રતા અને એટેમ્પ્ટ (પ્રયાસો) ને લઈને અત્યંત કડક અને નવા નિયમો પણ જાહેર કર્યા છે. ખાસ કરીને જે ઉમેદવારો અગાઉ પસંદગી પામી ચૂક્યા છે અથવા સેવામાં કાર્યરત છે, તેમના માટે હવે ફરી પરીક્ષા આપવી પડકારજનક બનશે.


IAS અને IFS અધિકારીઓ પર પ્રતિબંધ


નવા નિયમો અનુસાર, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાઓના આધારે ભારતીય વહીવટી સેવા (IAS) અથવા ભારતીય વિદેશ સેવા (IFS) માં નિમણૂક પામ્યા છે અને હાલ સેવામાં છે, તેઓ UPSC 2026 ની પરીક્ષામાં બેસી શકશે નહીં. જો કોઈ ઉમેદવાર પ્રિલિમ્સ પાસ કર્યા પછી પણ જો આ સેવામાં જોડાય છે, તો તેને મુખ્ય પરીક્ષા (Mains) આપવા દેવામાં આવશે નહીં.


IPS માટે 'નો રિપીટ' પોલિસી


ભારતીય પોલીસ સેવા (IPS) ના ઉમેદવારો માટે પણ નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જેઓ પહેલેથી જ IPS તરીકે ફરજ બજાવે છે, તેમને નવી પરીક્ષાના આધારે ફરીથી IPS કેડર ફાળવવામાં આવશે નહીં. એટલે કે, તેઓ રેન્ક સુધારીને અન્ય સેવામાં જઈ શકે છે, પરંતુ ફરીથી પોલીસ સેવાનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.


રાજીનામું અને ટ્રેનિંગના નિયમો


વર્ષ 2025 કે તે પહેલા પસંદ થયેલા ઉમેદવારોને એક વિશેષ તક આપવામાં આવી છે કે, તેઓ રાજીનામું આપ્યા વિના 2026 કે 2027 ની પરીક્ષા આપી શકશે, પરંતુ 2028 થી પરીક્ષા આપવા માટે સેવામાંથી રાજીનામું આપવું ફરજિયાત રહેશે. આ સાથે જ, જે ઉમેદવારો ટ્રેનિંગ દરમિયાન ફરી પરીક્ષા આપવા માંગતા હોય તેમણે સંબંધિત વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે. કુલ 933 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે ઉમેદવારો 24 ફેબ્રુઆરી સુધી સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકશે.