calendar_todayOctober 24, 2026
Uttar Pradesh: નિકાહની જીદમાં 100 ફૂટ ઉંચા મોબાઇલ ટાવર પર ચડી યુવતી..પોલીસે કાજીને બોલાવી ટાવર પર જ પરણાવી દીધી!
પ્રેમી મુંબઈમાં, પ્રેમિકા 100 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર અને કાજી સાહેબ ફોન પર! ઉત્તર પ્રદેશના બહરાઇચમાં નિકાહ માટે એક યુવતીએ એવો રસ્તો અપનાવ્યો કે અંતે ટાવર પરથી જ વીડિયો કોલ પર તેના નિકાહ કરાવવાની નોબત આવી!
પ્રેમપ્રકરણમાં મોબાઇલ ટાવર પર ચડી યુવતી
બહરાઇચ પાસે આવેલા બસ્થનવા ગામની યુવતી મહેકને પોતાના જ ગામના નૂરુદ્દીન સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતાં હતાં, પરંતુ પરિવારજનો તૈયાર નહોતા. નૂરુદ્દીન કામના કારણે મુંબઈમાં રહેતો હતો. મહેકને સવારે તેની માતા સાથે લગ્ન બાબતે ઝગડો થતા તે ગુસ્સામાં આવીને ગામમાં આવેલા BSNLના મોબાઇલ ટાવર પર ચડી ગઇ અને નિકાહની માંગ શરૂ કરી દીધી.
મહેકને ટાવર પર ચડેલી જોઈને ગામમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને યુવતીને નીચે ઉતારવા સમજાવટ શરૂ કરી. પરંતુ યુવતીનો એક જ સૂર હતો—લગ્ન થાય તો જ નીચે આવું!
લોકો સમજાવતા રહ્યા, પરંતુ યુવતી પોતાની વાત પર અડગ રહી
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે તેને ઘણી સમજાવવામાં આવી. જોકે, લગ્નની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તે નીચે આવવા તૈયાર નહોતી. આવી સ્થિતિમાં પોલીસ સામે બે પડકાર હતા. પહેલો, યુવતીને સુરક્ષિત રીતે નીચે ઉતારવી અને બીજો, જે વિવાદને કારણે તે ટાવર પર ચઢી હતી તેનો ઉકેલ લાવવો.
પોલીસે બંને પરિવારો સાથે વાતચીત કરી અને લગ્નના મુદ્દે મધ્યસ્થી કરી. ઘણા પ્રયત્નો બાદ બંને પરિવારો લગ્ન માટે રાજી થયા. ત્યારબાદ ટાવરની નીચે કાજીને બોલાવવામાં આવ્યા. યુવતી બહરાઇચમાં મોબાઇલ ટાવર પર હતી, જ્યારે તેનો પ્રેમી કામના કારણે મુંબઈમાં હાજર હતો. બંનેનાં લગ્ન કરાવવા માટે ઑનલાઇન નિકાહની વ્યવસ્થા કરવામાં આવી. કાજીની હાજરીમાં ઑનલાઇન નિકાહની વિધિ કરાવવામાં આવી.
નિકાહ થયા બાદ યુવતીને ટાવર પરથી નીચે ઉતરવા માટે સમજાવવામાં આવી. ઘણી સમજાવટ બાદ તે સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતરી આવી.
સામાન્ય રીતે લોકો લગ્ન માટે સ્થળ નક્કી કરે, મંડપ સજાવે અને મહેમાનોને બોલાવે. પરંતુ આ પ્રેમકહાનીમાં લગ્નનો મંડપ નહોતો, જાનૈયાઓની ભીડ નહોતી અને વરરાજા પણ સામે હાજર નહોતો. તેમ છતાં નિકાહ ઑનલાઇન થઈ ગયો!