calendar_todayAugust 12, 2026
Vadnagarના વારસાને નવો ચમકારો: જૂની રિક્ષાઓને અપાયો શહેરના ઐતિહાસિક વારસાનો 'ન્યૂ લુક'
ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતા વડનગર શહેરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો પણ સક્રિયપણે જોડાયા છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC) દ્વારા પોતાના CSR ફંડ અંતર્ગત વડનગરની જૂની ઑટો રિક્ષાઓને શહેરના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવતો આકર્ષક ઐતિહાસિક લુક આપવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રતિ રિક્ષા 50 હજારથી વધુના ખર્ચે રિટ્રોફિટમેન્ટ
વડનગર હેરિટેજ ઑટો પ્રોજેક્ટ હેઠળ પ્રવાસન વિભાગ અને વાહનવ્યવહાર વિભાગના સક્રિય લોજિસ્ટિક સપોર્ટથી આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ સમક્ષ વડનગરની એક અલગ અને યુનિક ઓળખ ઊભી થાય તે માટે પ્રતિ રિક્ષા 50 હજારથી વધુના ખર્ચે રિટ્રોફિટમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

પ્રથમ તબક્કામાં 21 રિક્ષાઓનું સફ્ળતાપૂર્વક નવીનીકરણ
વડનગરમાં હાલ 300થી વધુ નોંધાયેલી રિક્ષાઓ પૈકી પ્રથમ તબક્કામાં 21 રિક્ષાઓનું સફ્ળતાપૂર્વક નવીનીકરણ કરી દેવાયું છે, જેથી સ્થાનિક રિક્ષાચાલકોની રોજીરોટીમાં પણ વધારો થશે.
હજુ પણ નોંધણી પ્રક્રિયા ખુલ્લી રાખવામાં આવી
આ યોજનાનો લાભ વધુમાં વધુ રિક્ષાચાલકો લઈ શકે તે માટે હજુ પણ નોંધણી પ્રક્રિયા ખુલ્લી રાખવામાં આવી છે. પોતાની રિક્ષાને વડનગરના વારસાને દર્શાવતો નવો લુક આપવા ઈચ્છતા રિક્ષાચાલકો વડનગર એસ.ટી. ડેપો ખાતે GSFCના પ્રતિનિધિનો સંપર્ક કરી શકે છે. સરકારી સાહસની આ પહેલથી સહેલાણીઓને વડનગરના વારસાનો નવો અનુભવ મળશે અને સાથે સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત