calendar_todayJanuary 31, 2026
Vadodara : કરજણ હાઇવે પર બામણગામ પાસે ટ્રક પાછળ લક્ઝરી બસ અથડાતાં અકસ્માતમાં 1નું મોત, 20 ઘાયલ
વડોદરા જિલ્લાના કરજણ ને.હા. 48 ઉપર અકસ્માતોની કડી યથાવત રહી છે. ગતરોજ સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ ફરી એક વખત કરજણ તાલુકાના બામણગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. ઉભેલી ટ્રકમાં લક્ઝરી બસ ભટકાતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.
ઉભેલી ટ્રકમાં બસ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો
પ્રાપ્ત માહિતી મુજબ અમરોલીથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસમાં અંદાજે 30 જેટલા મુસાફરો સવાર હતા. બામણગામ પાસે અચાનક ઉભેલી ટ્રકમાં બસ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો
બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત
અકસ્માતમાં બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અંદાજે 20 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
3 ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વડોદરા રિફર કરાયા
ઇજાગ્રસ્તોમાંથી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાને કારણે તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટનાને લઈને કરજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ને.હા. 48 ઉપર વધતા અકસ્માતોને લઈને માર્ગ સલામતી અંગે ફરી એક વખત પ્રશ્નો ઉઠ્યા છે.
આ પણ વાંચો---- Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો