android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: વોર્ડ નં. 11માં ખુદ પાલિકાની જ કચરાની ગાડી મસમોટા ભુવામાં ધસી ગઈ! વિકાસના દાવાઓ હવામાં ઉડ્યા

calendar_todayJuly 5, 2026

Vadodara: વોર્ડ નં. 11માં ખુદ પાલિકાની જ કચરાની ગાડી મસમોટા ભુવામાં ધસી ગઈ! વિકાસના દાવાઓ હવામાં ઉડ્યા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડ રિકાર્પેટિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ સબળ હોય છે અને વાસ્તવિકતામાં નબળા, તે ચાલુ સીઝનના પ્રથમ વરસાદે જ સાબિત કરી દીધું છે. વડોદરાના હરીનગર તરફથી આવતા વોર્ડ નંબર 11 ના વિસ્તારમાં આજે એક એવી ઘટના બની જેનાથી વડોદરા મનપા આખી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. અહીં પાલિકાનું જ ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવાનું વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક રોડ બેસી ગયો હતો અને વાહનનો પાછળનો આખો ભાગ ભુવામાં ધસી ગયો હતો.

ભ્રષ્ટાચારની ગટર ખુલ્લી પડી, સ્થાનિકોનો આક્રોશ

આ ઘટના જેવી બની કે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સદનસીબે કચરાના વાહનના ડ્રાઈવર કે ક્લીનરને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ વાહન નમી પડતાં રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક નાગરિકોએ તંત્ર પર કટાક્ષ કરતા અને ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, “જે પાલિકા આખા શહેરના રોડ રસ્તા સારા હોવાના પોકળ દાવા કરે છે, આજે તેની પોતાની જ ગાડી ભ્રષ્ટાચારના ભુવામાં ફસાઈ ગઈ છે. જો મનપાના વાહનોની આ સ્થિતિ થતી હોય, તો સામાન્ય જનતા, ટુ-વ્હીલર ચાલકો અને નાના બાળકોના જીવ કેટલા જોખમમાં છે તેનો અંદાજ લગાવી શકાય છે.” રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને ડ્રેનેજ લાઇન નાખતી એજન્સીઓએ કરેલી હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે જ આ ભુવો પડ્યો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, તંત્ર મૌન

કચરાની ગાડી ભુવામાં ફસાયેલી હોવાના દ્રશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વડોદરા પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના લીરેલીરા ઊડી ગયા છે. વિપક્ષે પણ આ મુદ્દે શાસક પક્ષને આડે હાથ લીધો છે. બીજી તરફ, ઘટનાના કલાકો વીતી જવા છતાં મનપાના એન્જિનિયરો કે અધિકારીઓએ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી, માત્ર ભુવા પર બેરિકેડિંગ કરીને સંતોષ માની લીધો છે. આગામી દિવસોમાં જો ભારે વરસાદ થશે તો વડોદરાના માર્ગો પર આનાથી પણ વધુ વિકટ સ્થિતિ સર્જાશે તેવી ભીતિ શહેરીજનો સેવી રહ્યા છે.

આ પણ વાંચો: Rajula Rain: ધાતરવડી ડેમ-2ના તમામ 20 દરવાજા એકસાથે ખોલાયા, ધાતરવડી નદીમાં આવ્યું ઘોડાપૂર