android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara : ખાસવાડી સ્મશાનમાં ચીમની ધરાશાયીના મામલામાં ઘટસ્ફોટ, 12ના બદલે માત્ર 4 બોલ્ટ માર્યા હોવાનો ખુલાસો

calendar_todayJune 2, 2026

Vadodara : ખાસવાડી સ્મશાનમાં ચીમની ધરાશાયીના મામલામાં ઘટસ્ફોટ, 12ના બદલે માત્ર 4 બોલ્ટ માર્યા હોવાનો ખુલાસો

વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ નબળા બાંધકામની પોલ વધુ એક વખત જાહેરમાં ખુલ્લી પડી ગઈ છે. હાલમાં જ શહેરમાં આવેલા ભારે વાવાઝોડા અને પ્રચંડ પવનને કારણે કારેલીબાગ વિસ્તારના ઐતિહાસિક ખાસવાડી સ્મશાનગૃહના નવીનીકરણ અંતર્ગત ઊભી કરાયેલી ગૅસ આધારિત સ્મશાનની નવીનતમ ચિમનીનો મસમોટો પોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ ચીમનીનો પોલ બાજુમાં આવેલા મહાવીર એસ્ટેટ પર જઈને હતો, જેમાં એક મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી છે, પરંતુ તંત્રના ભ્રષ્ટાચારના લીરેલીરા ઉડી ગયા છે.

કોન્ટ્રાક્ટરે લોલંલોલ ચલાવીને માત્ર 4 બોલ્ટ જ લગાવ્યા

આ ગંભીર ઘટનાની તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી અને શરમજનક બેદરકારી સામે આવી છે. ટેકનિકલ તપાસમાં ખુલાસો થયો છે કે આ મસમોટી અને વજનદાર ચીમનીના લોખંડના પોલને ફાઉન્ડેશન સાથે મજબૂતીથી જકડી રાખવા માટે જે સ્ટ્રક્ચરલ ડિઝાઈન પ્રમાણે 12 હેવી બોલ્ટ લગાવવાના હતા, તેના બદલે કોન્ટ્રાક્ટરે લોલંલોલ ચલાવીને માત્ર 4 બોલ્ટ જ લગાવ્યા હતા!

કમિશન પ્રથાની ગંધ

12 બોલ્ટની જગ્યાએ માત્ર 4 જ બોલ્ટ હોવાના કારણે વાવાઝોડાના સામાન્ય પવનના ઝાપટાં સામે પણ આ ચીમની ટકી શકી નહોતી અને તૂટી પડી હતી. લાખોના ખર્ચે થયેલા આ સરકારી કામમાં લોકોના જીવ સાથે થયેલા આ ચેડાંથી કમિશન પ્રથાની ગંધ આવી રહી છે.

કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ

આ ગંભીર અને ગુનાહિત બેદરકારી સામે આવતા જ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. તંત્ર દ્વારા આ નવીનીકરણનું કામ રાખનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગળની કડક કાનૂની તપાસ અને એન્જિનિયરોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક ફોજદારી ગુનો નોંધવાની માંગ ઉઠી રહી છે.  


આ પણ વાંચો-----    Gujarat Latest News LIVE : હવામાન વિભાગનું 4 કલાકનું એલર્ટ જાહેર, રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી