calendar_todayFebruary 17, 2026
Vadodara: સતત બીજા દિવસે બોમ્બની ધમકી, 18 સ્કૂલો બાદ હવે કોર્ટ સંકુલને ઉડાવી દેવાનો ઈ-મેઈલ
વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા એક ઈ-મેઈલ (Email) માં કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે કોર્ટની તમામ કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. જજ, વકીલો, કર્મચારીઓ અને અસીલોને સલામત રીતે બહાર ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે-ખૂણાનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ બેડામાં દોડધામ મચી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સંકુલને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને સ્થિતિ સુરક્ષિત જણાશે પછી જ કોર્ટની કામગીરી ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ સાથે જ, આ ઈ-મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
વડોદરાની 18 જેટલી શાળાઓને ઉડાવી દેવાની ધમકી
શહેરમાં ભયનો માહોલ ઊભો કરવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે વડોદરાની 18 જેટલી ખાનગી અને સરકારી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ, આજે વડોદરા કોર્ટને પણ ઈ-મેઈલ દ્વારા આવી જ ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો: Jamnagar: હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, યુવાનને જાહેરમાં ધોકા વડે ફટકારતો વીડિયો વાયરલ