android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodaraના કારેલીબાગ હિટ એન્ડ રન કેસમાં 21 વર્ષીય કાર ચાલક હર્ષ મેડાની કરાઈ ધરપકડ

calendar_todayJuly 18, 2026

Vadodaraના કારેલીબાગ હિટ એન્ડ રન કેસમાં 21 વર્ષીય કાર ચાલક હર્ષ મેડાની કરાઈ ધરપકડ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બનેલી ચકચારી હિટ એન્ડ રન (Hit and Run) ની ઘટનામાં હરણી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા 21 વર્ષીય કાર ચાલક હર્ષ મેડાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ ભયાનક અકસ્માતમાં કારેલીબાગ વિસ્તારમાં જ રહેતા ઋતુરાજ નામના એક આશાસ્પદ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ અને પોલીસના અનુમાન મુજબ અકસ્માત સમયે કારની ગતિ અંદાજે 80 કિમી પ્રતિ કલાકની ઝડપી હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત બાદ હાલોલ તરફ ભાગ્યો

એસીપી (ACP) જી. બી. બાંભણીયાના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી હર્ષ મેડા કારેલીબાગ વિસ્તારમાં જ રહે છે અને કાર એસેસરીઝની એક દુકાનમાં નોકરી કરે છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે ડ્રાઇવિંગ કરતી વખતે અચાનક બ્રેક મારવાના બદલે તેનો પગ એક્સિલેટર (લીવર) પર મુકાઈ ગયો હતો, જેના કારણે કાર કાબૂ બહાર ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ગભરાઈને કાર લઈને સીધો હાલોલ તરફ ભાગી છૂટ્યો હતો.

હાલોલ પાસે કાર બંધ પડતા ભાંડો ફૂટ્યો

આરોપી હર્ષ મેડા જ્યારે કાર લઈને હાલોલ તરફ ભાગી રહ્યો હતો, ત્યારે હાલોલ નજીક અચાનક તેની કાર બંધ પડી ગઈ હતી. કાર બંધ થઈ જતાં તેણે ગાડીને ખેંચવા માટે ટોઇંગ સંચાલકનો સંપર્ક કર્યો હતો. જોકે, કારની હોનારત જોઈને ટોઇંગ સંચાલકને શંકા જતાં તેણે તાત્કાલિક વડોદરા પોલીસને આ અંગે વાકેફ કરી હતી, જેના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો હતો. હાલ હરણી પોલીસે આરોપી હર્ષ મેડા વિરુદ્ધ ગુનો નોંધી, અકસ્માત સમયે તે દારૂ કે અન્ય કોઈ નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં મેડિકલ તપાસ કરાવી આગળની કાર્યવાહી તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો