calendar_todayJanuary 23, 2026
Vadodara : સંગમ ચાર રસ્તા પાસે પાણીની લાઈન જોડાણ કામગીરી, 27 જાન્યુઆરીએ કારેલીબાગ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં-4માં સંગમ ચાર રસ્તા નજીક નવી પાણીની લાઈન જોડવાની કામગીરી કરવામાં આવશે. જેથી મંગળવાર તા. 27 જાન્યુઆરીના રોજ કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.
સવારે 6 થી 11 વાગ્યા સુધી પાણી વિતરણ બંધ રહેશે
મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદુર સ્કૂલ નજીક આવેલી હાલની 500 મી.મી. વ્યાસની પાઈપલાઈનને નવી નાખવામાં આવેલી 450 મી.મી. વ્યાસની પાઈપલાઈન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે. આ કામ દરમિયાન તા. 27/01/26 ના રોજ સવારે 6 થી 11 વાગ્યા સુધી પાણી વિતરણ બંધ રહેશે. તેમજ ત્યારબાદના દિવસે પણ સમય કરતાં મોડું અને ઓછા દબાણથી પાણી પુરવઠો કરવામાં આવશે.
આ વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ
કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા કારેલીબાગ ટાંકીથી સંગમ ચાર રસ્તા સુધીનો વિસ્તાર, એરપોર્ટ સર્કલથી ફતેગંજના ફતેપુરા ચાર રસ્તા સુધીનો વિસ્તાર, સંગમ સોસાયટી તેમજ વિજયનગર તરફનો સમગ્ર વિસ્તાર પાણી પુરવઠાની અસર હેઠળ રહેશે.
લાખો નાગરિકોને પાણીની અસુવિધા સહન કરવી પડશે
આ કામગીરીને કારણે વિસ્તારના લાખો નાગરિકોને પાણીની અસુવિધા સહન કરવી પડશે. મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે નાગરિકોને પૂર્વ તૈયારી રૂપે પાણીનો સંગ્રહ રાખવા તેમજ કામગીરી દરમિયાન સહકાર આપવા અપીલ કરી છે.