android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: રૂા. 3 કરોડમાં બનાવેલા રોડના 8મા દિવસે ડામરનાપોપડાં ઉખડતા વિવાદ

calendar_todayOctober 23, 2026

Vadodara: રૂા. 3 કરોડમાં બનાવેલા રોડના 8મા દિવસે ડામરનાપોપડાં ઉખડતા વિવાદ

વાઘોડિયા જીઆઈડીસીથી આંકડિયાપુરા ગામ સુધીનો રૂ.3 કરોડના ખર્ચે નવો જ બનાવેલા રોડનો ડામર ઉખડવા લાગતા વિવાદ સર્જાયો હતો. ઘટનાને લઈને ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા અને ડામરના બે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની કવાયત હાથ ધરતા પંચાયતના આર એન્ડ બીમાં ફફડાટ ફેલાયો છે. વાઘોડિયાની સિધ્ધી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટથી આંકડિયાપુરા તરફ વાહનોની રોજીંદી અવર જવર વધુ હોય છે. ત્યારે આ રોડ ખખડધજ હોઈ તે નવો બનાવવામાં આવે તો વધુને વધુ લોકોને તેનો લાભ મળે તેમ હતો. ત્યારે ગયા વર્ષે કાચો-પાકો રોડ તૈયાર કરાયો હતો. એ પછી વડોદરા જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગ દ્વારા આ રોડનુ કાર્પેટીંગનુ કામ ગત તા.21મી માર્ચ-2026ના રોજ શ્રીરામ કન્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને સોંપાયુ હતુ. છ મહિનાની સમય મર્યાદા અપાઈ હતી. અંદાજે ત્રણ કિ.મી.ની લંબાઈ ધરાવતા આ રોડનુ કાર્પેરીંગ કરવાનુ હતુ. જેમાં 3.75 મીટર પહોળાઈનો આ રોડ છે. આ રોડનુ કાર્પેટીંગનુ કામ પૂર્ણ થતા જ ગઈ તા.15મી ઓક્ટોબર-2026ના રોજ રોજનો શુભારંભ કરાયો હતો, પરંતુ રોડની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની બૂમ ઉઠી હતી. એવામાં આજે ડામર ઉખડવા લાગતા વિવાદ સર્જાયો હતો. રોડની કામગીરી શંકાના દાયરામાં મૂકાઈ ગઈ હતી. વિવાદ સામે આવતા સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એક્શનમાં આવી ગયા હતાં અને તેઓ તુરંત જ સ્થળ પર દોડી ગયા હતાં. જે સામે જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતાં. એ પછી તે રોડની જુદી જુદી જગ્યાએથી ડામરના બે સેમ્પલ લેવાયા હતાં. જેને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવાની કવાયત હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો