calendar_todayOctober 27, 2026
Vadodara: બાકી બિલો નહીં ચૂકવાતા 31 ઓક્ટોબરથી વડોદરા સિટી બસના 5 રૂટ બંધ થશે, હજારો મુસાફરોને મુશ્કેલી
વડોદરા શહેરમાં સિટી બસ સેવા સંભાળતી વિનાયક લોજીસ્ટિક્સ દ્વારા બાકી બિલો પાસ ન થવાના કારણે આગામી 31 ઓક્ટોબરથી મહત્વના પાંચ રૂટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકાના ઓડિટ વિભાગે ક્વેરી કાઢીને બિલ અટકાવ્યા હોવાથી સંચાલકે કામગીરી સ્થગિત કરી છે. પાલિકા જ્યાં સુધી નાણાકીય મંજૂરી ન આપે ત્યાં સુધી બસો દોડાવવામાં નહીં આવે.
અંદાજે 200 જેટલી બસ ટ્રીપને સીધી અસર પહોંચશે
વિનાયક લોજીસ્ટિક્સ દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે વાઘોડિયા, રસુલાબાદ, બાજવા, રણોલી તેમજ ચાણસદ રૂટ પર દોડતી સિટી બસોના પૈડા થંભી જશે. આ પાંચેય મહત્વપૂર્ણ રૂટ બંધ થવાના કારણે દૈનિક અંદાજે 200 જેટલી બસ ટ્રીપને સીધી અસર પહોંચશે.
નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડશે
શહેર અને આસપાસના વિસ્તારોને જોડતા આ રૂટો પરથી રોજિંદા હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે. અચાનક બસ સેવા બંધ થવાથી નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડશે. નિયમિત અવરજવર કરતા હજારો પ્રવાસીઓ રઝળી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.
ઓડિટ વિભાગ દ્વારા વિવિધ ક્વેરીઓ કઢાઇ
સમગ્ર વિવાદ પાછળ પાલિકાના ઓડિટ વિભાગની કાર્યવાહી મુખ્ય કારણ બની છે. એજન્સીના બાકી નીકળતા બિલો સંદર્ભે ઓડિટ વિભાગ દ્વારા વિવિધ ક્વેરીઓ કાઢવામાં આવતા લાંબા સમયથી ચૂકવણું અટવાઈ પડ્યું છે. સંચાલક એજન્સીએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે મહાનગરપાલિકા જ્યાં સુધી આ બિલો મંજૂર નહીં કરે ત્યાં સુધી આ રૂટો પર બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવશે નહીં.
આગામી 4 દિવસ રહેશે નજર
નોંધનીય બાબત એ છે કે અગાઉ પણ વિનાયક લોજીસ્ટિક્સ દ્વારા બાકી લેણાં મુદ્દે બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. હવે 31 ઓક્ટોબરની મુદત નજીક આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આગામી 4 દિવસમાં આ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. જો સમયસર ઉકેલ નહીં આવે તો 31 તારીખથી હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાશે. પાલિકાના આંતરિક સંકલનના અભાવે શહેરના જાહેર પરિવહનને માઠી અસર પહોંચી રહી છે, જેથી આગામી દિવસોમાં મુસાફરોની ચિંતામાં વધારો થશે.