android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય ભક્તિપર્વ મહોત્સવ ઉજવાશે

calendar_todaySeptember 9, 2026

Vadodara: પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય ભક્તિપર્વ મહોત્સવ ઉજવાશે

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી અમાસ અને પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલથી બે દિવસ ભવ્ય ભક્તિ પર્વ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે.

નાથ સંપ્રદાયના નવ નાથ પૈકીના એક પ.પૂ.ગેબીનાથ દાદાના પ્રતિરૂપ તથા સ્વામીજી સાવલીવાળા તરીકે વિશ્વવિખ્યાત સંત શિરોમણિ સ્વામીજીની શ્રાવણી અમાસે 35મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ બે દિવસીય ભક્તિ પર્વ મહોત્સવ યોજાશે. મહોત્સવને અનુલક્ષીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભીમનાથ મહાદેવ મંદિર પરિસરને રોશનીથી કલાત્મક રીતે શણગારાયું છે. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ તથા સ્વામીજીની પાવન બેઠકને વિવિધ રંગબેરંગી પુષ્પોથી નયનરમ્ય રીતે સુશોભિત કરાઈ રહી છે. પ્રારંભ આવતીકાલે તા.10ના ગુરુવારે સવારે 8:30 કલાકે સ્વામીજી દ્વારા નિર્માણ પામેલા યંત્ર આધારિત શ્રી સાચી અંબા માતાજીના મંદિરે વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યાગથી કરાશે. જેમાં સાંજે 5:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. વર્ષોની પરંપરા મુજબ પરમ પૂજ્ય સ્વામીજીની પાવન પાદુકાની ભવ્ય શોભાયાત્રા બપોરે 2:00 કલાકે જમનોત્રી બંગલેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરશે. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સંધ્યા આરતી સમયે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે. તા.11ના શુક્રવારે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સવારે 3:30 કલાકે પ્રહર પૂજા, સવારે 5:00 કલાકે પ્રાતઃ આરતી, 7:00 કલાકે શહનાઈ વાદન સાથે સંગીત પ્રચારિણી સભાના વિશાળ રંગમંચ ઉપર સવારે 7:00થી સાંજે 7:00 કલાક સુધી વડોદરાના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ૐ નમઃ શિવાય મંત્રની અખંડ ધૂનનું ગાન કરાશે. સવારે 8:30 કલાકે ડાકોરથી પધારેલા અતિ વિદ્વાન ભૂદેવોના હસ્તે લઘુરુદ્ર યાગનો પ્રારંભ કરાશે, બપોરે 2:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. શ્રી કેદારેશ્વર ભવન ખાતે પધારનાર તમામ ભક્તજનો માટે બપોરે 12:00 કલાકથી મહાપ્રસાદી યોજાશે. ભક્તિ પર્વ મહોત્સવના સમાપન સ્વરૂપે સાંજે 7:00 કલાકે સંધ્યા મહા આરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 8:30 કલાકે પ્રસિદ્ધ ગાયક અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરે સુંદરકાંડના પાઠનું પારાયણ કરાશે. મંદિર પરિસરમાં મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો