calendar_todayJanuary 9, 2026
Vadodara: બંધ બોડીના ટ્રકમાં કૂલર ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ ઝડપાયો, ચાલકની ધરપકડ
વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કૂલરના ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ સાથે ડ્રાઇવરને ઝડપી લીધો છે. ટ્રકમાં ગુપ્ત ચોર ખાનુ બનાવીને તેમાં દારુ છુપાવામાં આવ્યો હતો.
પોલીસને બાતમી મળી
જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગુરુવારે રાત્રે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસપ્રેસ વે પર પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રક દારુનો જથ્થો લઇને રાજસ્થાનથી આવી રહી છે અને આ ટ્રક વડોદરા એકસપ્રેસ હાઇવેથી અમદાવાદ તરફ જવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી
કૂલરના ફાઇબરના જુના બોક્સની આડમાં આગળના ભાગે ચોર ખાનુ બનાવેલું જોવા મળ્યું
પોલીસે આજોડ ગામની સીમમાં આવેલા એકસપ્રેસ વેના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબની ટ્રક આવતા અટકાવી હતી. ટ્રકમાં રાજસ્થાનનો દેવારામ રાજુરામ જાટ નામનો રાજસ્થાનનો ટ્રક ચાલક હતો. પોલીસે તેને સાથે રાખીને તપાસ કરતાં ટ્રકના પાછળના ભાગમાં કૂલરના ફાઇબરના જુના બોક્સની આડમાં આગળના ભાગે ચોર ખાનુ બનાવેલું જોવા મળ્યું હતું.
દારુની 7068 બોટલો (કિંમત 3666960 રુપિયા) મળી આવી
પોલીસે ચોરખાનામાં તપાસ કરતાં તેમાંથી દારુની 7068 બોટલો (કિંમત 3666960 રુપિયા) મળી આવી હતી. પોલીસે દારુ તથા ટ્રક સહિતનો 4689460 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહેન્દ્રએ ઉદેપુર બાયપાસ પર ગોગુંદા રોડ પરથી દારુ ભરેલો ટ્રક આપ્યો
ચાલકની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે તેને ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના પવન માલવ ઉર્ફે મહેન્દ્રએ ઉદેપુર બાયપાસ પર ગોગુંદા રોડ પરથી દારુ ભરેલો ટ્રક આપ્યો હતો અને તેના કહ્યા મુજબ તે અમદાવાદ પહોંચ્યા પછી ફોન કરવાનું જણાવ્યું હતું પણ તે પહેલાં તે પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો---- Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી