android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara:ડેસરના 71 ગામમાંથી 800 KVની હાઇટેન્શન લાઇનને લઇ ખેડૂતોને ચિંતા

calendar_todayJanuary 5, 2026

Vadodara:ડેસરના 71 ગામમાંથી 800 KVની હાઇટેન્શન લાઇનને લઇ ખેડૂતોને ચિંતા

ડેસર તાલુકાના 71 જેટલા ગામમાંથી 800 KV પાવર ગ્રીડ કોર્પોરેશનની ભુજના ખાવડાથી નાગપુર સુધી હાઈટેન્શન લાઈન પસાર થવાની હોવાથી કેટલાક ગામોના ખેડૂતોને નોટિસ આપીને જણાવાયું છે. જ્યારે કેટલાક ગામોમાં હજુ ખેડૂતોને આ બાબતે જાણ કરાઈ નથી.

ડેસરના રાજુપુરાના ખેડૂતો પરેશ હિરુ પટેલ, એમ જે પટેલ, રાજેશ જે પટેલ, ચંદુ માધા પટેલ સહિતને નોટિસ મળતા તેઓ તા. 1 જાન્યુ.ના રોજ વડોદરા જિલ્લા કલેકટરને આ બાબતે જાણ કરી હતી કે, અમારી મંજૂરી સિવાય અમારા ખેતરોમાં પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનો કેમ કરી પસાર કરી શકાય, જમીનના ટુકડા થઈ જશે. આગામી સમયમાં ખેતરમાં કોઈ પણ જાતનું બાંધકામ પણ નહીં કરી શકીએ. ઉક્ત બાબતે ખેડૂતો સાથે કોઈપણ જાતની મીટીંગ કરી નથી કે, જાણકારી પણ આપી નથી. અમારા ખેતરોમાં આટલી મોટી લાઈન પસાર થતી હોય યોગ્ય વળતર અને વાર્ષિક ભાડું આપવા અથવા અટકાવવા રજૂઆત કરી હતી. રવિવારે સાંજે પાંચ વાગે રાજુપુરા ખાતે ખેડૂતો ભેગા થઈ ચર્ચા કરી હતી કે, ભુજના ખાવડાથી નાગપુર સુધી જતી 800 કે.વીની લાઈનના ખેતરોમાં પોલ આવશે. બાકીના ખેતરોમાં વાયર લાંબા કરાશે. જેના કારણે દરેક ખેડૂતને ઘણું નુકસાન થશે. જે માટે આગામી શનિવારે ડેસર તાલુકાના 71 ગામના 700 ઉપરાંત ખેડૂતો રાજુપુરા દૂધ મંડળી ખાતે ભેગા થઈને ચર્ચા કર્યા બાદ કલેકટરને આવેદનપત્ર આપશે.

તાલુકાના 71 ગામમાંથી પાવરગ્રીડ હાઇટેન્શન લાઇન પસાર થશે

ઇંટવાડ, ત્રાસિયા, હિંમતપુરા, ડુંગરીપુરા, નાની વર્ણોલી, રાજપુર, પ્રતાપપુરા, સિહોરા, ગોરસણ, ડેસર, વાલાવાવ, કડાછલા, કલ્યાણ, પટેલના મુવાડા, રાયપુરા, છત્રાપુરા, વેજપુર, વક્તાપુરા, ઘેમલપુરા, લીમડાના મુવાડા, વાઘાના મુવાડા, સાઢાસાલ, દોલતપુરા, રાજુપુરા, ભીલા, ભિલાના મુવાડા, લાલખા, મોભખાના, મુવાડા, લટવા, વાવ, જેસર, ગોપરી, નારપુરી, રામપુરી, પીપલછટ, વડીયા, પાંડુ, મેવાસ, લીંબડી, ઘાટા વાસિયા, સાપિયા, અંદરખીયા, કસલાપુરા, મોકમપુરા, મોટી વર્ણોલી, માણેકલા, વાંકાનેડા, ભાટપુરા, જીતપુરા, જુના સિહોરા, નવા શિહોરા, પીપળીયા, છાલીયેર, ઇન્દ્રપુરી, બળેવીયા, શાંતિપુરા, બાલા પટેલના મુવાડા, કારીયાના મુવાડા, કૈલાશ આશ્રમ સહિત ગામ સહિત સાવલીનો નહારા, અને ગુતરડીનો સમાવેશ કરાયો છે.

જમીનની કિંમત ઘટી જાય, ખેતર આકાર વગરનું થઇ જાય

ડેસર તાલુકાના 71 ગામોમાંથી પાવર ગ્રીડની હાઇટેન્શન લાઈન પસાર થાય છે. આ લાઈન પસાર થવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન છે. અમારી જમીનની કિંમત ઘટી જાય છે. ખેતર આકાર વગરનું થઈ જાય છે. જમીન બે ટુકડામાં વહેચાઈ જશે. કેટલાક નાના ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. અમે રાજુપુરાના ત્રણ ખેડૂતોએ રૂબરૂ 1 જાન્યુઆરીએ આ બાબતે જિલ્લા કલેકટરને અરજી આપીને ધ્યાન દોર્યું છે. પરંતુ સાથે તાલુકાના 71 ગામના ખેડૂતો આગામી સમયમાં ભેગા થઈ વિરોધ કરીશું. અને યોગ્ય વળતર અને વાર્ષિક ભાડા અંગે મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્યને આવેદનપત્ર આપી માંગણી કરીશું. - સુરેશ પટેલ, અગ્રણી ખેડૂત, રાજુપુરા

નાના ખેડૂતોના ખેતરમાં હાઇટેન્શન લાઇનથી જમીન વિહોણા થવાશે

ખેતરોમાં હાઈટેન્શન લાઈન આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન પોલ ઉભા થશે તો, તે જમીન વિહોણા થઈ જશે. કારણ કે, વીજ પોલની બંને બાજુ 17, 17, મીટર જગ્યા રોકે છે. આ બાબતે અમારી જમીન બચાવવા માટે તાલુકાના 71 ગામના 700 ઉપરાંત ખેડૂતો શનિવારે ભેગા થઈ વિરોધ નોંધાવીશું. અને જિલ્લા કલેકટરને રૂબરૂ આવેદનપત્ર આપવા જઈશું - દિલીપ પારેખ, ખેડૂત અગ્રણી, લીંબડી (પાંડુમેવાસ)

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો