calendar_todayOctober 24, 2026
Vadodara નજીક DRIનું ધમાકેદાર ઓપરેશન: ચાલુ ટ્રેને ચેકિંગ દરમિયાન લાખોના MD ડ્રગ્સ સાથે મહિલાની અટકાયત!
વડોદરા નજીક દોડતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની ટીમે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. DRI ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાલુ ટ્રેને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અમૃતસરથી મુંબઈના બાંદ્રા તરફ જઈ રહેલી ટ્રેનમાંથી MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ રેકેટમાં સંડોવાયેલી એક નાઈજિરિયન મહિલાને પણ રંગે હાથ ઝડપી લેવામાં આવી છે.
ચાલુ ટ્રેને સઘન ચેકિંગ દરમિયાન મળી સફળતા
પ્રાપ્ત વિગતો અનુસાર, DRI ની ટીમને બાતમી મળી હતી કે અમૃતસરથી બાંદ્રા જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે. આ માહિતીને પગલે અધિકારીઓએ વડોદરા સેક્શન આસપાસ ચાલુ ટ્રેનમાં જ અચાનક ઓપરેશન હાથ ધરીને તપાસ શરૂ કરી હતી. ટ્રેનમાં સઘન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરી રહેલી એક નાઈજિરિયન મહિલા પાસેથી આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.

FSLની મદદથી ડ્રગ્સની ચકાસણી અને મુદ્દામાલ જપ્ત
DRI ની ટીમે મહિલા પાસેથી મળી આવેલ શંકાસ્પદ પદાર્થનો જથ્થો કબજે કરી લીધો છે. જપ્ત કરાયેલ પદાર્થ ખરેખર MD ડ્રગ્સ જ છે કે કેમ તેની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની વિશેષ મદદ લેવામાં આવી હતી. એફએસએલના રિપોર્ટ બાદ ડ્રગ્સના જથ્થાની પુષ્ટિ કરવામાં આવી છે. હાલ એજન્સી દ્વારા આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ રેકેટમાં કોણ-કોણ સંડોવાયેલ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.