calendar_todayFebruary 1, 2026
Vadodara Heroin Case: 47 લાખના હેરોઈન કેસમાં ASI લક્ષ્મી દેસાઈના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ડ્રગ્સ માફિયા સાથે હતું કનેક્શન!
'રક્ષક જ ભક્ષક' બને ત્યારે સમાજમાં કેવો ઘાતક પ્રભાવ પડે છે, તેનું ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે. વડોદરા શહેરના રૂપિયા 47 લાખના હેરોઈન કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના એએસઆઈ (ASI) લક્ષ્મી દેસાઈની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ પુરાવાઓના આધારે ધરપકડ કર્યા બાદ આજે કોર્ટે આરોપી ASI ના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જાપ્તામાં લઈ જનાર જ પોતે જાપ્તામાં આવ્યો
ગઈકાલ સુધી જે પોલીસકર્મી આરોપીઓને જેલ અને કોર્ટના જાપ્તામાં લઈ જતો હતો, આજે એ જ લક્ષ્મી દેસાઈ પોતે પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ થયો હતો. SMC ની તપાસમાં બહાર આવ્યું છે કે, લક્ષ્મી દેસાઈ ડ્રગ સપ્લાયરો સાથે સીધા સંપર્કમાં હતો અને તેને પોલીસની હિલચાલની બાતમી આપતો હતો. રૂપિયા 47 લાખની કિંમતના હેરોઈન સ્મગલિંગ રેકેટમાં તેની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાતા ધરપકડ કરવામાં આવી હતી.
SMC એ મજબૂત પુરાવા એકત્ર કર્યા
સ્ટેટ મોનિટરિંગ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને આરોપી સપ્લાયરોની પૂછપરછના આધારે મજબૂત કડીઓ મેળવી હતી. લક્ષ્મી દેસાઈ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચેના આર્થિક વ્યવહારો અને સંપર્કોની વિગતો પણ પોલીસના હાથમાં આવી છે. આગામી 5 દિવસના રિમાન્ડ દરમિયાન આ રેકેટમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે મોટા માથાઓ સામેલ છે કે કેમ તેની વિગતો બહાર આવવાની શક્યતા છે.