calendar_todayFebruary 6, 2026
Vadodara News: 1 વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ, તબીબોએ આપ્યું નવજીવન
આણંદ જિલ્લાના માલસર ગામના એક વર્ષના માસૂમ બાળક માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ (GMERS) ના તબીબો દેવદૂત સાબિત થયા છે. છેલ્લા દોઢ મહિનાથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા બાળકની શ્વાસનળીમાં ફસાયેલો LED બલ્બ જટિલ ઓપરેશન દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે. આ માસૂમ બાળક છેલ્લા દોઢ મહિનાથી સતત તાવ અને ખાંસીની તકલીફથી પીડાતું હતું. પરિવારજનોએ અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી, જ્યાં તબીબો તેને ન્યુમોનિયા માનીને તે મુજબની દવાઓ આપી રહ્યા હતા.
અશક્ય ઓપરેશન કરી તબીબોએ બાળકીને બચાવી
જોકે, કોઈ ફરક ન પડતા અંતે પરિવાર થાકીને ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો હતો. ગોત્રી હોસ્પિટલના ENT (કાન-નાક-ગળું) વિભાગના તબીબોએ બાળકની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એક્સ-રે અને અન્ય રિપોર્ટ્સમાં શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાયેલી હોવાનું જણાયું હતું. તબીબોએ અત્યંત જટિલ ગણાતી 'બ્રોનકોસ્કોપી' (Bronchoscopy) પદ્ધતિ દ્વારા તે વસ્તુ બહાર કાઢી હતી.
દોઢ મહિનાની બીમારી બાદ સત્ય સામે આવ્યું
જ્યારે શ્વાસનળીમાંથી એ વસ્તુ બહાર આવી ત્યારે તે એક નાનો LED બલ્બ હતો, જેને જોઈને તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સફળ ઓપરેશન બાદ બાળક હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે. તબીબોએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે નાના બાળકો રમતા-રમતા આવી નાની વસ્તુઓ મોઢામાં ન નાખે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો