calendar_todayOctober 28, 2026
Vadodara News: નવા યાર્ડમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, 10 પાસ ઈસમ કરતો હતો એલોપેથી સારવાર
વડોદરા શહેરમાં આરોગ્ય સાથે ચેડાં કરતા ઇસમો સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં SOGની ટીમે બાતમીના આધારે વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા શ્રીનાથપુરમ ખાતે એક ગેરકાયદે રીતે ધમધમતા ક્લિનિક પર સફળ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી.
માત્ર 10 પાસ હોવા છતાં ચલાવતો હતો એલોપેથી ક્લિનિક
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપી દિનેશ પરમાર કોઈપણ જાતની માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત ધરાવતો ન હતો અને તે માત્ર 10મું ધોરણ પાસ હતો. આમ છતાં, તે શ્રીનાથપુરમ અને છાણી વિસ્તારના સાંઈનાથ ક્લિનિકમાં બિન્દાસપણે દર્દીઓની તપાસ કરી એલોપેથી દવાઓ અને સારવાર આપતો હતો. લોકોના જીવન સાથે ખેલ કરનાર આ બોગસ ડોક્ટરની કરતૂત સામે આવતા સ્થાનિક લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

રૂ. 20,000 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
SOG ની ટીમે દરોડા દરમિયાન ક્લિનિકમાંથી ગેરકાયદેસર એલોપેથી દવાઓ, મેડિકલ સાધનો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 20,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બોગસ ડોક્ટર દિનેશ પરમારની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે અને આશરે તે કેટલા સમયથી આ ધંધો ચલાવતો હતો અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ કડક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Vadodaraમાં ધંધાકીય મનદુઃખનો કરુણ અંજામ; ‘ચાય કા અડ્ડા’ના ભાગીદારે જ કરી ભાગીદીરની હત્યા!