calendar_todayFebruary 23, 2026
Vadodara News: મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવી સંતાડેલો 13 લાખનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
રાજ્યમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજ્યમાંથી અવારનવાર દારૂ ઝડપાવા અને દારૂડિયા દ્વારા ધમાલ મચાવવાની ઘટના સામે આવી છે. આ વચ્ચે વડોદરામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાંથી 13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.
ભોંયરું બનાવી દારૂ છુપાવ્યો
સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા બુટલેગરો પર સ્ટેટ મોનિટરિંગ સેલએ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. વડોદરાના સમા વિસ્તારમાં બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. બુટલેગરોએ પોલીસથી બચવા માટે મકાનની અંદર ખાસ ભોંયરું બનાવી દારૂ છુપાવ્યો હતો.
જમીન અને આસમાન બંને જગ્યાએ દારૂ
વડોદરામાં જાણે બુટલેગરો 'જમીન-આસમાન' એક કરી રહ્યા હોય તેમ દારૂ છુપાવી રહ્યા છે. સમામાં થયેલી કાર્યવાહીમાં બુટલેગરોએ મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો સંગ્રહ કર્યો હતો, જે SMC એ શોધી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પીસીબી (PCB) ની કાર્યવાહીમાં છતની POP (પ્લાસ્ટર ઓફ પેરિસ) માં સંતાડેલો દારૂ પણ ઝડપાયો હતો, જે દર્શાવે છે કે, હવે બુટલેગરો હાઈટેક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
ધરપકડ અને વોન્ટેડ આરોપીઓ
SMC ની આ રેડમાં કુલ 13 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થળ પરથી પોલીસે કનુ માળી અને હિંમત ઉર્ફે અબો અને ગૌતમ પરમાર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 8 જેટલા બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં એક પછી એક ઝડપાઈ રહેલા દારૂના જથ્થાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં SMC એ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodaraમાં બ્યુટી પાર્લરમાંથી PCBએ રૂ.2 લાખનો દારૂ ઝડપ્યો, જુઓ Video