android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: મકરપુરામાં બેંક ગ્રાહક સાથે 2 લાખની છેતરપિંડી, ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની કરી ધરપકડ

calendar_todayMarch 16, 2026

Vadodara News: મકરપુરામાં બેંક ગ્રાહક સાથે 2 લાખની છેતરપિંડી, ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની કરી ધરપકડ

સંસ્કારી નગરી વડોદરામાં બેંક ગ્રાહકોને વાતોમાં પરોવી છેતરપિંડી આચરતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક બેંક ગ્રાહક પાસેથી રૂપિયા 2 લાખની રકમ પડાવી ફરાર થઈ ગયેલા ઉત્તર પ્રદેશના બે રીઢા શખ્સોને પોલીસે દબોચી લીધા છે.

વાતોમાં ભોળવી નજર ચૂકવી આચરી છેતરપિંડી

ઘટનાની મળતી માહિતી અનુસાર, મકરપુરા વિસ્તારમાં આવેલી એક બેંકમાં ગ્રાહક પોતાની રોકડ રકમ સાથે વ્યવહાર કરવા આવ્યો હતો. આ સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગ્રાહકને પોતાની વાતોની જાળમાં ફસાવ્યો હતો. ગ્રાહકની નજર ચૂકવીને આરોપીઓ તેની પાસેથી રૂપિયા 2 લાખની રોકડ રકમ લઈને ગણતરીની મિનિટોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી પકડાયા આરોપીઓ

ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બેંક અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ઉત્તર પ્રદેશના બે શખ્સો સાજીદ શેખ અને આયુષ મિશ્રાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ શખ્સો આંતરરાજ્ય ગેંગના સભ્યો હોઈ શકે છે જેઓ ભીડભાડવાળી બેંકોને નિશાન બનાવતા હતા.

ક્રાઇમ બ્રાન્ચની સફળતા

આરોપીઓ પાસેથી પોલીસે છેતરપિંડીની રકમ કબજે કરવા અને આ અગાઉ તેઓએ અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. બેંકમાં આવતા-જતા ગ્રાહકોને અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા અને સતર્ક રહેવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Vadodara: મારામારી રોકવા ગયેલી પોલીસ પર નશેડી પતિ-પત્ની તૂટી પડ્યા, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા