android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: વીડિયો વાયરલ થયા બાદ કરાઈ કાર્યવાહી, પોલીસે JCB ચાલકને કાયદાનું ભાન કરાવ્યું

calendar_todayFebruary 5, 2026

Vadodara News: વીડિયો વાયરલ થયા બાદ કરાઈ કાર્યવાહી, પોલીસે JCB ચાલકને કાયદાનું ભાન કરાવ્યું

સંસ્કારી નગરી વડોદરામાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો. વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક JCB ચાલકે કાયદા અને માનવતા બંનેને બાજુ પર મૂકીને JCB ના આગળના ભાગે આવેલા લોડરમાં 10 જેટલી મહિલાઓને બેસાડી રસ્તા પર જોખમી સવારી કરાવી હતી. આ વીડિયો વાયરલ થતા જ વડોદરા પોલીસે ત્વરિત એક્શન લીધા છે.

જોખમી સવારીનો વીડિયો થયો હતો વાયરલ

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, JCB ના આગળના લોડર પર 10 જેટલી મહિલાઓ શ્રમિકોની જેમ બેસીને મુસાફરી કરી રહી છે. આટલું જ નહીં, JCB ની કેબિનમાં પણ ચાલકે ક્ષમતા કરતા વધુ એટલે કે 5 જેટલા લોકોને બેસાડ્યા હતા. ભરચક ટ્રાફિકમાં આ પ્રકારે જોખમી રીતે દોડતા JCB ને જોઈને પસાર થતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કરતા પોલીસ હરકતમાં આવી હતી.




પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

હરણી પોલીસ અને ટ્રાફિક વિભાગે વીડિયોના આધારે તપાસ હાથ ધરી JCB ચાલક મુમતાજ હકીમ મિયા આલમ (મૂળ બિહાર) ની ધરપકડ કરી છે. પોલીસે માત્ર ગુનો જ નથી નોંધ્યો, પરંતુ ચાલકને સ્થળ પર લઈ જઈ તેની પાસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી હતી અને જાહેરમાં માફી મંગાવી હતી. પોલીસે આ કડક કાર્યવાહી દ્વારા અન્ય વાહનચાલકોને પણ સંદેશ આપ્યો છે કે રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂકનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.


આ પણ વાંચો - JCBનો રંગ પીળો કેમ છે? તેને પહેલી વાર કયા રંગમાં રંગવામાં આવ્યો હતો?