calendar_todayJanuary 12, 2026
Valsad News: પોલીસ પર હુમલો કરનારા તત્વોની શાન ઠેકાણે, 2 મહિલા સહિત 5ની ધરપકડ કરી પોલીસે કાઢ્યું સરઘસ
ઉત્તરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી રહેલી પોલીસ પર હુમલો કરનારા શખ્સોને વલસાડ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. મોગરાવાડી વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરનાર બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમનું જાહેર સરઘસ કાઢ્યું હતું.
ચાઇનીઝ દોરી ઝડપવા કરેલી રેડ દરમિયાન બની ઘટના
વલસાડ સિટી પોલીસની ટીમ મોગરાવાડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાતી હોવાની બાતમીના આધારે રેડ કરવા ગઈ હતી. આ દરમિયાન પોલીસને જોઈને સ્થાનિકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે એ જ વિસ્તારમાં કાઢ્યું સરઘસ
પોલીસ પર હુમલો થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે આક્રમક વલણ અપનાવી હુમલામાં સંડોવાયેલા બે મહિલા અને ત્રણ પુરુષોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો હતો, તે જ મોગરાવાડી વિસ્તારમાં તેમનું સરઘસ કાઢી 'કાયદાનો પાઠ' ભણાવ્યો હતો.
ગુજરાતભરમાં ચાઇનીઝ દોરીનું મોટું નેટવર્ક ઝડપાયું
નોંધનીય છે કે, ઉત્તરાયણ પૂર્વે સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ દોરીના સપ્લાય સામે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. હાલમાં જ સેલવાસમાં ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરી માલિક વિરેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાણંદ, બાવળા અને ધોળકા જેવા વિસ્તારોમાં પણ પોલીસે રેડ કરી હજારોની સંખ્યામાં ચાઇનીઝ રીલ જપ્ત કરી છે.