android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vav-tharad : ભાભર બાર એસોસિએશન અચોક્કસ મુદ્દતની હડતાળ પર

calendar_todayOctober 5, 2026

Vav-tharad : ભાભર બાર એસોસિએશન અચોક્કસ મુદ્દતની હડતાળ પર

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા 'ભાડા વિધેયક-2026' ના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલ સમુદાયમાં તીવ્ર નારાજગી વ્યાપી ગઈ છે. જેના ભાગરૂપે ભાભર બાર એસોસિએશન દ્વારા જનરલ બેઠક યોજીને આ વિધેયક સામે સર્વાનુમતે વિરોધ દર્શાવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. બાર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, ભાડા વિધેયક-2026 ના સંદર્ભમાં વકીલ મંડળ દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી વિવિધ માંગણીઓ અને સૂચનો ધ્યાને લેવામાં આવ્યા નથી. રાજ્યભરના વકીલોના હિત જાળવવા અને આ કાયદામાં જરૂરી સુધારા કરવાની માંગ સાથે ભાભર બાર એસોસિએશને પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તારીખ 5 ઓક્ટોબર 2026થી તમામ વકીલો અચોક્કસ મુદ્દત સુધી કોર્ટની તમામ કામગીરીથી દૂર રહેશે. વિરોધ દરમિયાન વકીલોની ગેરહાજરીને કારણે પક્ષકારોને નુકસાન ન થાય તે માટે કોર્ટ સમક્ષ વિનંતી કરાઈ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પક્ષકાર વિરુદ્ધ પ્રતિકૂળ હુકમો, વોરંટ કે નોટિસ જેવી કાર્યવાહી હાથ ધરવામાં ન આવે. સરકાર વકીલ સમુદાયની રજૂઆતોને ગંભીરતાથી લઈ ભાડા વિધેયકમાં જરૂરી સુધારા-વધારા કરે તેવી માંગ કરવામાં આવી છે. અચોક્કસ મુદ્દતની આ હડતાળને કારણે ભાભર કોર્ટ સંકુલમાં આગામી દિવસોમાં કામગીરી પર મોટી અસર જોવા મળશે તેમજ અસીલોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો