android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vav -Tharad: બોરીયાબેટમાં BSF જવાનો કરશે યુદ્ધાભ્યાસ, ગૃહ વિભાગે 53 હેક્ટર જમીન કરી ફાળવણી!

calendar_todayOctober 23, 2026

Vav -Tharad: બોરીયાબેટમાં BSF જવાનો કરશે યુદ્ધાભ્યાસ, ગૃહ વિભાગે 53 હેક્ટર જમીન કરી ફાળવણી!

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની રક્ષા કાજે ખડેપગે રહેતા સીમા સુરક્ષા બળ (BSF) ના જવાનોની સૈન્ય સજ્જતા અને યુદ્ધક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર ગેઝેટ બહાર પાડીને વાવ-થરાદ વિસ્તાર અંતર્ગત આવતા સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે BSF માટે આગામી 10 વર્ષ સુધી ફિલ્ડ ફાયરીંગ રેન્જ ની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તારને હવેથી ‘બોરીયાબેટ ફિલ્ડ ફાયરીંગ રેન્જ’ તરીકે ઓળખવામાં આવશે. સરહદી વિસ્તારોમાં જવાનોને યુદ્ધ જેવી વાસ્તવિક પરિસ્થિતિઓમાં તાલીમ મળી રહે તે હેતુથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

53 હેક્ટર જમીન પર જીવંત દારૂગોળા સાથે ફાયરીંગ પ્રેક્ટિસ

 સુઈગામ તાલુકાના નડાબેટ સ્થિત સર્વે નંબર 12-B ની 53 હેક્ટરથી વધુ સરકારી જમીન આ ફિલ્ડ ફાયરીંગ રેન્જ માટે અધિકૃત કરવામાં આવી છે. BSF ના જવાનો હવે આ વિસ્તારમાં જીવંત દારૂગોળા સાથે તોપખાના તેમજ અત્યાધુનિક હથિયારોનું ફાયરીંગ અને લાઈવ પ્રેક્ટિસ કરી શકશે. સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી લઈને આગામી 10 વર્ષના સમયગાળા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

સ્થાનિક ખેડૂતો અને માલધારીઓને સાવચેતી રાખવા અપીલ

તંત્ર દ્વારા જાહેર કરાયેલી સલામતી માર્ગદર્શિકામાં ફાયરીંગ રેન્જમાં સમયાંતરે જીવંત દારૂગોળા સાથે સતત હેવી આર્ટિલરી પ્રેક્ટિસ યોજાવાની હોવાથી સુરક્ષાના કારણોસર આ વિસ્તાર પ્રતિબંધિત રહેશે.વહીવટી તંત્ર દ્વારા આસપાસના ગ્રામીણ વિસ્તારોના સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોને સાવચેત રહેવા અને નિયત સીમાની અંદર ઢોર ચરાવવા કે અવરજવર ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.ફાયરીંગ સેશન દરમિયાન વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ અને BSF સંયુક્ત રીતે તકેદારી રાખશે.

આ પણ વાંચો: CNG Gas Rate: અદાણી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ કેટલો થયો