calendar_todayMay 12, 2026
Vav Tharad News: બંધારણને કારણે સમાજમાંથી દારુનું દૂષણ દૂર થયુ, DJ બંધ થયા બાદ સુધારો આવ્યો
ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ તૈયાર કરાયું હતું અને તેનો અમલ શરૂ થયો હતો. આ બંધારણમાં લગ્ન પ્રસંગે DJનો અમલ નહીં કરવા જોગવાઈ કરાઈ હતી. બંધારણનો અમલ શરૂ થયા બાદ ઠાકોર સમાજમાં અનેક વિવાદો શરૂ થયા હતાં. કેટલાકની સામે બંધારણના ભંગ બદલ કાર્યવાહી કરાઈ તો સમાજમાં ઊંચુ સ્થાન ધરાવતા લોકો દંડ ભરીને જાહેરમાં બંધારણના ધજાગરા ઉડાવતા હોવાના વીડિયો પણ વાયરલ થયા હતાં. ત્યારે હવે સાંસદ ગેનીબેન ઠાકોરે DJ બંધ થતાં સમાજમાં સુધારો આવ્યો હોવાનો દાવો કર્યો છે.
DJ પર પ્રતિબંધ મુક્યા બાદ સમાજમાં સુધારો આવ્યો
વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકાના અરંટવા ગામમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપતાં કહ્યું હતું કે, બંધારણનાં કારણે સમાજમાંથી દારુનું દૂષણ દૂર થયુ છે. DJ બંધ થતાં ઠાકોર સમાજમાં સુધારો આવ્યો છે. ગેનીબેને કહ્યું હતું કે, DJના કારણે સમાજની બહેન દીકરીઓ સાથે ખરાબ હરકતો થતી હતી. સમાજની આબરૂના જાહેરમાં ધજાગરા ઉડતા હતાં. પરંતુ બંધારણમાં DJ પર પ્રતિબંધ મુક્યા બાદ સમાજમાં સુધારો આવ્યો છે.
બંધારણને કારણે હવે સમાજમાં સુધારો આવ્યો
સમાજના કોઈ પરિવારના ઘરે જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે DJ બોલાવવામાં આવતુ હતું. આ દરમિયાન જેને આમંત્રણ આપ્યું ના હોય તેવા લોકો પણ DJ પાસે આવીને નાચતા હતાં. ક્યારેક આમંત્રણ વિના અસામાજિક તત્વો પણ આવી જતા હોવાનું ધ્યાને આવતુ હતું. આવામાં સમાજની બહેન દીકરીઓ અસલામત રહેતી હતી. પરંતુ બંધારણને કારણે હવે સમાજમાં સુધારો આવ્યો છે. આવા વણબોલાયેલા મહેમાનોથી સમાજના લોકોને છુટકારો મળ્યો છે.
આ પણ વાંચોઃ Rajkot News: શહેરમાં લોકોને પીવા માટે અપાતુ પાણી જ દૂષિત, કયા વિસ્તારમાં વિતરણ થયું તેનાથી મનપા અજાણ