calendar_todaySeptember 14, 2026
Vav-Tharad Rain Update: 45 દિવસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, મગફળી અને બાજરીના પાકને મળ્યું જીવનદાન
બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને આસપાસના સીમાવર્તી પંથકમાં આખરે વરસાદી વાદળો ઘેરાતાં મેઘરાજાએ મહેર કરી છે. થરાદ અને રાહ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. અસહ્ય ગરમી અને બળબળતા ઉકળાટ બાદ એકાએક શરૂ થયેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
45 દિવસના લાંબા વિરામ બાદ દિયોદરમાં ધોધમાર વરસાદ
દિયોદર તાલુકામાં છેલ્લા 45 દિવસથી વરસાદે સંપૂર્ણ ખેંચાણ સાર્વત્રિક વિરામ લીધો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ લાંબા ઇંતેજાર બાદ દિયોદર તાલુકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદી બેટિંગ શરૂ થઈ છે. વજેગઢ, મલુપુર, નાગલા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર પાણી વરસી પડતાં માર્ગો પર પાણી વહેતાં થયાં છે.

રાહ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર
થરાદ અને રાહ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. રાહ તાલુકાના મેઘપુરા, રાહ, ચાંગડા સહિતના અનેક ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમય પછી વરસેલા આ વરસાદને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી છે.

સુકાતા મગફળી-બાજરીના પાકને જીવનદાન
છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ગાયબ રહેતાં વાવેતર કરેલાં મગફળી અને બાજરી સહિતના મુખ્ય પાકો સુકાવાની આરે પહોંચી ગયા હતા, પરંતુ આ વરસાદ વરસતાં જ સુકાતા પાકોને અમૃત સમાન સંજીવની મળી છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં ખેતીના પાકો પાંગરી ઉઠશે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રાહત અને આનંદની લહેર દોડી ગઈ છે.
આ પણ વાંચો: Vav-tharad: થરાદમાં પકોડીના પાર્સલમાંથી જીવાત નીકળી