calendar_todayApril 9, 2026
Vav-Tharad: ઢીમા ગામમાં કોન્ટ્રાક્ટરની મનમાની, રસ્તા વચ્ચે પથ્થરોનો ખડકલો કરી રોડ બ્લોક કરતા ST બસ અટવાઈ
વાવ-થરાદ પંથકમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે ઢીમા ગામ પાસે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોથા નેસડા-ટડાવ રોડ પર કોઈ પણ પૂર્વ સૂચના વગર રસ્તાની અધવચ્ચે પથ્થરો નાખી દેવાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
પરીક્ષા સમયે જ રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
હાલ શાળાની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટરે કોઈ પણ આયોજન વગર રોડ પર પથ્થરોનો ખડકલો કરી દેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તો બ્લોક થવાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં વિલંબ થયો હતો.
ST બસ અને મુસાફરો અટવાયા
રોડ બ્લોક થવાને કારણે રાઘાનેસડા-થરાદ એસ.ટી. બસ અધવચ્ચે જ અટવાઈ પડી હતી. બસમાં સવાર મુસાફરોને લાંબો સમય સુધી હેરાન થવું પડ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન આપ્યા વગર કે કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના મુખ્ય માર્ગ બંધ કરી દીધો છે, જે તેની ગંભીર બેદરકારી સૂચવે છે.
આ પણ વાંચો:Rajkot: પંચવટી રોડ પર એક્ટિવા ચાલકને ફંગોળ્યો, નંબર પ્લેટ વગરની કારના CCTV આવ્યા સામે