calendar_todayMay 10, 2026
Vijay Oath Ceremony: આજથી તમિલનાડુમાં વિજય સરકાર, 9 મંત્રીઓ પણ લેશે શપથ
તમિલનાડુના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. અભિનયની દુનિયામાં પોતાની ધાક જમાવ્યા બાદ, તમિલ વેટ્રી કઝગમ (TVK) ના વડા સી. જોસેફ વિજય આજે સવારે 10 વાગ્યે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ તમિલનાડુમાં 'વિજય સરકાર' વિધિવત રીતે કાર્યરત થશે.
નવ મંત્રીઓનું મંત્રીમંડળ અને ગઠબંધનનું ગણિત
મળતી માહિતી પ્રમાણે વિજયની સાથે નવ મંત્રીઓ શપથ લે તેવી પ્રબળ શક્યતા છે. જેમાં સત્તાના સંતુલનને જાળવી રાખવા માટે કોંગ્રેસના ક્વોટામાંથી ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે. શનિવારે વહેલી સવારે વિજયે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૧ ધારાસભ્યોના સમર્થન પત્રો સુપરત કર્યા હતા. આ સમર્થનમાં TVK ના 118 ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસના 108 (પક્ષનું કુલ સંખ્યાબળ), સીપીઆઈના 5 અને સીપીઆઈ(એમ)ના 2 ધારાસભ્યોનો ટેકો સામેલ છે. વધારામાં, VCK અને IUML એ પણ બબ્બે ધારાસભ્યોનું સમર્થન જાહેર કરતા વિજય માટે બહુમતીનો આંકડો પાર કરવો સરળ બન્યો હતો.
સંઘર્ષમય પાંચ દિવસ: હાઈવોલ્ટેજ ડ્રામા
જોકે, વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો માર્ગ ફૂલોની સેજ નહોતો. 4 મેના રોજ ચૂંટણી પરિણામો આવ્યા ત્યારથી ૯ મે સુધી તમિલનાડુના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.
6 મે: વિજય પાંચ કોંગ્રેસી ધારાસભ્યોના ટેકા સાથે રાજ્યપાલને મળ્યા, પરંતુ પૂરતું સંખ્યાબળ ન હોવાથી તેમને નિરાશ થવું પડ્યું.
7 મે: ડાબેરી પક્ષોના 4 ધારાસભ્યોના ટેકા સાથે તેઓ ફરી રાજ્યપાલ પાસે પહોંચ્યા, પરંતુ રાજ્યપાલે બહુમતી સાબિત કરવા માટે સ્પષ્ટ 118 ધારાસભ્યોનો ટેકો માંગ્યો.
8 મે: VCK ના સમર્થન માટે મોડી રાત સુધી ખેંચતાણ ચાલી, જેના કારણે મામલો ફરી અટવાયો હતો.
9 મે: અંતે IUML અને VCK ના સમર્થન બાદ વિજયનો માર્ગ મોકળો થયો અને રાજ્યપાલે તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું.
સમર્થકોમાં દિવાળી જેવો માહોલ
રાજ્યપાલનું આમંત્રણ મળતા જ વિજયના પ્રશંસકો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચેન્નાઈના રસ્તાઓ પર ઉત્સવ જેવો માહોલ છે. વિજયના પરિવારજનો માટે પણ આ ગર્વની ક્ષણ છે, કારણ કે જે કલાકારને જનતાએ અત્યાર સુધી ફિલ્મી પડદે હીરો તરીકે જોયો હતો, તે હવે વાસ્તવિક જીવનમાં નીતિઓ ઘડીને રાજ્યની જનતાની સેવા કરશે. તમિલનાડુના આ નવા રાજકીય પ્રવાસ પર હવે આખા દેશની નજર ટકેલી છે.