calendar_todayOctober 15, 2026
Viramgam રૂરલ પોલીસ મથક બહાર લોકોનાં ઉમટ્યાં ટોળાં, પોલીસ કસ્ટડીમાં મારપીટ થઈ હોવાની ફરિયાદથી ભારે હોબાળો
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકામાંથી પોલીસ પ્રશાસન સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલા સચાણા ગામના હુમલા કેસમાં પકડાયેલા આરોપીઓએ પોલીસ કર્મચારીઓ સામે કસ્ટડી દરમિયાન ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં જ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પરિજનોના ટોળાં ઉમટી પડ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
બે આરોપીઓને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાયા
પોલીસ મથકે સર્જાયેલા હોબાળા અને આરોપીઓની કથિત શારીરિક હાલતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બે આરોપીઓને મેડિકલ તપાસ અને તબીબી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાને બદલે પોલીસ દ્વારા આરોપીઓ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. આ બાબતને લઈને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન પરિસરમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
મકાન અને રસ્તાના દરવાજા મુદ્દે થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે, સચાણા ગામે મકાન અને રસ્તાના દરવાજા બાબતે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હુમલો થયો હતો. આ લોહિયાળ ઝપાઝપી અને હુમલામાં 3 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કુલ 9 શખ્સો વિરુદ્ધ ગુનાહિત કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જોકે, હવે પકડાયેલા આરોપીઓ સામે પોલીસ દ્વારા જ કરાયેલી કથિત મારપીટનો મુદ્દો ગરમાતાં આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો : Panchmahal પોલીસને મોટી સફળતા, હાલોલ પોલીસ સ્ટેશનના ટોયલેટની બારી તોડી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી ઝડપાયો!