android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Viramgam News: જુનાપાધર ગામમાં ભીષણ આગથી અફરાતફરી, 1000થી વધુ ઘાસના પુળા બળીને ખાખ

calendar_todayMay 2, 2026

Viramgam News: જુનાપાધર ગામમાં ભીષણ આગથી અફરાતફરી, 1000થી વધુ ઘાસના પુળા બળીને ખાખ

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકામાં આવેલા જુનાપાધર ગામમાં આજે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામમાં રહેણાંક મકાનોની એકદમ નજીક આવેલા જારના પુળા અને બાવળના ઝુંડમાં આગ લાગતા જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી દેખાઈ હતી. આ દુર્ઘટનામાં પશુઓ માટે રાખવામાં આવેલા અંદાજે 1000થી વધુ ઘાસના પુળા બળીને ભસ્મીભૂત થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

રહેણાંક મકાનો નજીક આગ લાગતા ગ્રામજનોમાં ફફડાટ

આગની ઘટના રહેણાંક વિસ્તારની નજીક બની હોવાથી લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. બાવળના સૂકા ઝુંડ અને ઘાસના જથ્થાને કારણે પવનની દિશામાં આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સદનસીબે, સમયસર સાવચેતી રાખવામાં આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે.

વિરમગામ ફાયર ફાઈટરની ટીમે આગ પર મેળવ્યો કાબુ

આગની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક વિરમગામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ આકસ્મિક આગને કારણે પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો