calendar_todayMay 9, 2026
Viramgam News: બસસ્ટેન્ડ રોડ પર વેપારીની નજર ચૂકવી 4.90 લાખની ચોરી, ત્રણ શખ્સો પાકીટ લઈને થયા ફરાર
વિરમગામ શહેરના વ્યસ્ત ગણાતા બસસ્ટેન્ડ રોડ પર દરગાહની સામે આવેલી હોલસેલ પાન-મસાલા અને કરિયાણાની દુકાન 'અરવા ટેલિકોમ'માં ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સોએ વેપારી પાસે અલગ-અલગ વસ્તુઓની માંગણી કરી હતી. વેપારી જ્યારે વસ્તુઓ લેવા માટે રોકાયેલા હતા, ત્યારે તકોનો લાભ ઉઠાવી ટેબલ પર પડેલું અને રૂપિયા 4,90,000ની રોકડ ભરેલું પાકીટ સેરવીને આ શખ્સો પળવારમાં ફરાર થઈ ગયા હતા.
13 થી 25 વર્ષની વયના શખ્સો હોવાની આશંકા
આ ચોરીની ઘટનામાં સામેલ ત્રણેય શખ્સોની ઉંમર અંદાજે 13 થી 25 વર્ષની વચ્ચે હોવાનું મનાઈ રહ્યું છે. જે રીતે વેપારીને વાતોમાં ભોળવીને ગણતરીની મિનિટોમાં આટલી મોટી રકમની ચોરી કરવામાં આવી છે, તે જોતા આ કોઈ રીઢી ટોળકી હોવાની શક્યતા સેવાઈ રહી છે. વેપારીને ચોરી થયાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા.
વિરમગામ ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓની ઓળખ કરી શકાય અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે તેની કડી મેળવી શકાય. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો