calendar_todaySeptember 18, 2026
Visangar :વાળીનાથ શિવધામ મંદિર ખાતે PM મોદીના બર્થ-ડે નિમિત્તે દીપોત્સવ કાર્યક્રમ યોજાયો
તરભ વાળીનાથ શિવધામ મંદિર ખાતે પ.પૂ.જયરામગિરિ બાપુ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હજારો શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી.વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે દિવ્ય રોશની અને ભજનોની સુરાવલીથી વાળીનાથ પરિસર ઝળહળી ઉઠયું હતું.હજારો નાગરિકો અને સેવાભાવીઓએ એકસાથે દીપ પ્રગટાવી સેવા સંકલ્પ અભિયાનને યાદગાર બનાવી PM મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે તરભ વાળીનાથ મંદિર ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય અને દિવ્ય આશીર્વાદનો દીવડો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન વાળીનાથના પવિત્ર સાનિધ્યમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિસનગરની ભજન મંડળની સ્થાનિક બહેનો તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓએ એકત્રિત થઇને દીપમાળા પ્રગટાવી દેશના પ્રધાનમંત્રી પ્રત્યે આદર અને શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી સતત 365 દિવસ અને દિવસના 18-18 કલાક એક પણ રજા લીધા વિના અવિરતપણે ભારત અને ગુજરાતની સેવા કરી છે. આ પવિત્ર અવસરે ભગવાન વાળીનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે, પ્રભુ તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે, જેથી તેઓ આ જ રીતે દેશની નિરંતર સેવા કરતા રહે અને તેમને જનતાના આશીર્વાદ મળતા રહે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અદ્ભુત ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.વાળીનાથ ધામના વિશાળ મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ એકસાથે હાથમાં દીવડા ધારણ કરી સમગ્ર વાતાવરણને દિવ્ય રોશનીથી ઝળહળતું કરી દીધું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો