calendar_todayJanuary 7, 2026
Weather News : હવામાન વિભાગની મોટી આગાહી, 7 થી 9 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો કાતિલ ચમકારો રહેશે
ગુજરાતમાં શિયાળાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાવાને કારણે લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે, જે ઠંડીના ચમકારામાં વધારો કરશે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનોના કારણે લઘુતમ પારો નીચે જશે, જેથી નાગરિકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડશે.
ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાશે
જોકે, આ કડકડતી ઠંડી વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીથી પવનની દિશામાં પલટો આવશે, જેના કારણે ઠંડીના જોરમાં આંશિક ઘટાડો જોવા મળશે. પવનની ગતિ અને દિશા બદલાતા તાપમાનમાં ધીમે-ધીમે વધારો થશે અને લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડા અંશે મુક્તિ મળશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં આગામી ત્રણ દિવસ સાવચેતી રાખવા અને ઠંડીથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara News : શિકારની શોધમાં વીજ ડીપી પર ચડેલી દીપડીનું કરંટ લાગતા મોત, વન વિભાગ દોડતું થયું