calendar_todayNovember 5, 2026
Weather Update : દિલ્હીથી યુપી સુધી હવામાનમાં પલટો, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુલાબી ઠંડની શરૂઆત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના 15 થી વધુ રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો આવવાની ચેતવણી જારી કરી છે. પૂર્વી તેલંગાણા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર બનેલી ચક્રવાતી સિસ્ટમ નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાતાં દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાઈ શકે છે.
દિલ્હી-NCR અને ઉત્તર ભારતનું હવામાન
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. અહીં ૧૫ થી ૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાન ગગડતાં સવાર-સાંજ ગુલાબી ઠંડી અનુભવાશે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, મેરઠ, કાનપુર અને આગ્રા જેવા જિલ્લાઓમાં ૩૫ થી ૪૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, બિહારના પટણા, ગયા અને પૂર્ણિયા સહિતના વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.
પૂર્વ અને મધ્ય ભારતમાં ફેરફાર
ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. ઝારખંડના રાંચી અને ધનબાદ તેમજ બંગાળના કોલકાતા, દાર્જિલિંગ અને માલદામાં ૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજસ્થાનના જયપુર, કોટા અને મધ્યપ્રદેશના ભોપાલ અને વિદિશા જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
પંજાબ અને પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા
પંજાબના અમૃતસર અને લુધિયાણા સહિતના ભાગોમાં તીવ્ર પવન સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાણવાળા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનું અનુમાન છે. આ કારણે પહાડી રસ્તાઓ પર લપસણો માહોલ અને ભૂસ્ખલન (Landslide) થવાનું જોખમ વધી ગયું છે.
દક્ષિણ ભારતમાં ભારે ચેતવણી
ચક્રવાતી પ્રણાલીની સૌથી વધુ અસર દક્ષિણ ભારતમાં જોવા મળશે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને આ ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવા અને વીજળી પડવાની ઘટનાઓ સામે સાવચેત રહેવા સલાહ આપી છે.