calendar_todayMarch 26, 2026
Weather Update: દેશના 22 રાજ્યોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદની આગાહી, આગામી 5 દિવસ રહેશે માવઠું
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી એડવાઈઝરી મુજબ, દેશના હવામાનમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. બે સક્રિય પશ્ચિમી વિક્ષેપો એટલે કે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ભારતનાં આશરે 22 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. આ ફેરફારને કારણે સામાન્ય જનજીવનની સાથે ખેતીકામ પર પણ મોટી અસર પડવાની શક્યતા છે.
ઉત્તર ભારત અને પહાડી વિસ્તારોની સ્થિતિ
હિમાલયના પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ કશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 27 માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હી એનસીઆરમાં 29 અને 30 માર્ચે પવનની ગતિ 70 કિમી સુધી પહોંચી શકે છે. જે ચિંતાનો વિષય છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં 'ઓરેન્જ એલર્ટ':
ઉત્તર પ્રદેશમાં 27 માર્ચે ભારે વરસાદ સાથે કરા (Hailstorm) પડવાની સંભાવના છે. તેવી જ રીતે બિહારમાં પણ 27 અને 28 માર્ચે વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે તેઓ પોતાના તૈયાર પાકને સુરક્ષિત સ્થાને ખસેડી લે અથવા કરાથી બચાવવા માટે જાળીનો ઉપયોગ કરે.
પૂર્વ અને દક્ષિણ ભારત પર અસર:
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં 29 માર્ચ સુધી વીજળીના કડાકા સાથે વ્યાપક વરસાદની શક્યતા છે. બીજી તરફ, મધ્ય ભારતના છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પણ વાતાવરણ ડહોળાયેલું રહેશે. દક્ષિણ ભારતના તેલંગાણા, કર્ણાટક અને કેરળમાં આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડાની અસર જોવા મળશે, જ્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે.
દિલ્હી-એનસીઆર હવામાન પરિવર્તન
આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, પરંતુ વરસાદ શરૂ થતાની સાથે જ પારો ફરી ગગડશે અને લોકોને ગરમીથી થોડી રાહત મળશે. દિલ્હી-એનસીઆરમાં વધતા તાપમાનમાં હવે ઘટાડો થવાની ધારણા છે. 26 માર્ચની બપોર કે સાંજ સુધીમાં હળવો વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. રાજધાનીમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે 29 અને 30 માર્ચે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વરસાદ 30 માર્ચ સુધી ચાલુ રહેવાની ધારણા છે.
બિહારમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી
27 માર્ચે બિહારમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. 28 માર્ચે વાવાઝોડા અને વરસાદ પણ શક્ય છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના કાપેલા પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરે અને કરાથી બચાવવા માટે કરાની જાળીનો ઉપયોગ કરે.
આ પણ વાંચોઃ Bangladesh: બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઊંડી નદીમાં 40 યાત્રીઓ ભરેલી બસ ખાબકી, 23ના મોત