calendar_todayJanuary 31, 2026
Weather Update: રાજ્યમાં 'બેવડી ઋતુ'નો અનુભવ થશે, 24 કલાક બાદ ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ગગડશે
ગુજરાતમાં હાલ શિયાળો તેના અંતિમ તબક્કામાં મિશ્ર અનુભવ કરાવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી થોડા દિવસો રાજ્યમાં બેવડી ઋતુ એટલે કે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળશે.
ઠંડીમાં થશે વધારો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે. જોકે, ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો મોટો ઘટાડો નોંધાવાની શક્યતા છે. આ ઘટાડાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અનુભવ થશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. જોકે, ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં ક્યાંય પણ વરસાદની શક્યતા નહિવત છે.
4 ફેબ્રુઆરીથી ફરી ગરમીનો ચમકારો
ઠંડીના આ ટૂંકા સ્પેલ બાદ, આગામી 4 ફેબ્રુઆરીથી ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આમ, વારંવાર બદલાતા તાપમાનને કારણે લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં સિઝનલ બીમારીઓ વધવાનું જોખમ રહેલું છે.
આ પણ વાંચો - Weather Update: છત્રી કાઢવી કે ધાબળો? જાણો અંબાલાલ પટેલની આગાહી