calendar_todayAugust 19, 2026
Weather Update: ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદનું તાંડવ, ખાણ ધસતા 3 કામદારો દટાયા
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મેઘરાજાએ તબાહી મચાવી છે.
કાટમાળ ધસી પડવાને 3 લોકોના મોત
ઉત્તરાખંડના કોટદ્વારમાં ભારે પર્વતીય કાટમાળ ધસી પડવાને કારણે એક મકાન ધરાશાયી થતાં બે વર્ષના બાળક અને એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કેદારનાથ ટ્રેકિંગ રૂટ પર પથ્થર પડવાથી દિલ્હીની એક મહિલા શ્રદ્ધાળુનું પણ મૃત્યુ થયું છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું પાણીનું સ્તર ચેતવણી રેખાને વટાવી ગયું છે.
ચૂનાના પથ્થરની ખાણ ધસતા 3 કામદારો દટાયા
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ચૂનાના પથ્થરની એક ખાણ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ત્રણ કામદારો ગંભીર રીતે દટાઈ ગયા છે. આ ઉપરાંત, લાહૌલ-સ્પિતિમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની છે, જેનાથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીલકંઠ યાત્રા પર ગયેલા યાત્રાળુઓના વાહનો ફસાઈ ગયા છે. ઉત્તરાખંડમાં પણ સતત વરસાદને કારણે ઘણી નદીઓ તોફાની બની છે.
6 વિદ્યાર્થીઓ નદી વચ્ચે ફસાયા
દહેરાદૂનમાં સ્વરાણા નદીનું જળસ્તર અચાનક વધી જવાથી UPES યુનિવર્સિટીના છ વિદ્યાર્થીઓ નદીની વચ્ચે ફસાઈ ગયા હતા, જોકે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમે સમયસર બચાવ કામગીરી હાથ ધરીને દોરડાની મદદથી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હવામાન વિભાગે બુધવારે દહેરાદૂન અને બાગેશ્વરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
3 દિવસ ભારે વરસાદનું એલર્ટ અપાયું
અન્ય રાજ્યોની વાત કરીએ તો, હવામાન વિભાગે રાજસ્થાનના જયપુર સહિત 10 જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદનું એલર્ટ આપ્યું છે. મધ્યપ્રદેશમાં પણ પૂર્વી વિસ્તારોમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીને કારણે ટીકમગઢ, પન્ના અને નરસિંહપુર સહિતના જિલ્લાઓમાં 4 થી 8 ઇંચ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ ઉપરના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જેને લઈને હવામાન કેન્દ્રે વિવિધ વિભાગો માટે ચેતવણી જારી કરી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રભાવિત વિસ્તારોમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે અને નાગરિકોને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Strait of Hormuz: 7,000 માઈલ દૂર બેસીને ટ્રમ્પ જોઇ રહ્યા છે સપનાઓ, ઇરાનનો જોરદાર કટાક્ષ