calendar_todayMay 2, 2026
West Bengal Elections 2026: ડાયમંડ હાર્બર અને મગરાહાટની 15 બેઠકો પર પુનર્મતદાનનો પ્રારંભ, EVM સાથે છેડછાડના આરોપ બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ ઉભરાયેલા વિવાદો વચ્ચે આજે દક્ષિણ 24 પરગણા જિલ્લાની 15 મતદાન બેઠકો પર પુનર્મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના કુલ 15 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
ગેરરીતિઓના આક્ષેપો થયા હતા
ચૂંટણી પંચે આ નિર્ણય ભાજપ દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદો બાદ લીધો છે. ભાજપનો આરોપ હતો કે 'ફલતા' વિસ્તારના અનેક બૂથો પર EVM મશીનમાં ભાજપના ચૂંટણી ચિહ્ન 'કમળ' પર ટેપ લગાવી તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત બૂથ કેપ્ચરિંગ અને અન્ય ગેરરીતિઓના પણ આક્ષેપો થયા હતા. પંચે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58(2) હેઠળ 29 એપ્રિલે થયેલા મતદાનને રદબાતલ જાહેર કરી ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે.
ફલતાના અન્ય 30 બૂથો પર પણ પુનર્મતદાનની શક્યતા
પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં. ફલતાના અન્ય 30 બૂથો પર પણ પુનર્મતદાનની શક્યતા સેવાઈ રહી છે, જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે ઐતિહાસિક 92.93 ટકા મતદાન નોંધાયું છે, જે આઝાદી પછીનું સૌથી વધુ મતદાન છે. આ આંકડાઓ દર્શાવે છે કે જનતામાં લોકશાહી પ્રત્યે કેટલો ઉત્સાહ છે, પરંતુ સામે પક્ષે રાજકીય હિંસા અને ગેરરીતિના બનાવોએ વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.
આ પણ વાંચો--- West Bengal Elections 2026: હાઈકોર્ટમાંથી ફટકો પડ્યા બાદ TMC સુપ્રીમમાં, મતગણતરી પહેલા જામશે કાનૂની માહોલ.