android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengal : પૂર્વ મંત્રી અને TMC નેતા સુજીત બોસની EDએ કરી ધરપકડ

calendar_todayMay 11, 2026

West Bengal : પૂર્વ મંત્રી અને TMC નેતા સુજીત બોસની EDએ કરી ધરપકડ

સુજીત બોસની પશ્ચિમ બંગાળના મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારે ધરપકડ કરવામાં આવી છે. ઈડીનો આરોપ છે કે નોર્થ દમદમ, સાઉથ દમદમ અને હાલીશહેર સહિતની અનેક મ્યુનિસિપાલિટીમાં થયેલી ભરતી ગોટાળામાં સુજીત બોસ સંડોવાયેલા હતા.


4 મેના રોજ ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું

મળતી માહિતી મુજબ સુજીત બોસ સોમવારે સવારે લગભગ 10:30 વાગ્યે સોલ્ટલેક સ્થિત CGO કોમ્પ્લેક્સમાં આવેલા ઈડી કાર્યાલયમાં હાજર થયા હતા. લગભગ 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ ઈડીએ તેમની ધરપકડ કરી હતી. આ પહેલાં પણ 1 મેના રોજ સુજીત બોસ ઈડી ઓફિસમાં હાજર થયા હતા. ત્યારબાદ ચૂંટણી પરિણામો બાદ 4 મેના રોજ ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સાઉથ દમદમ મ્યુનિસિપાલિટીમાં ભરતી દરમિયાન ગેરકાયદેસર રીતે ઉમેદવારોના નામોની ભલામણ કરવામાં આવી હતી, જેને લઈને પૂછપરછ ચાલી રહી હતી.

CBI પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે

સુજીત બોસના વકીલે જણાવ્યું કે તેમના પુત્ર સમુદ્ર બોજ અને પરિવારના અન્ય સભ્યોને પણ ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને તેમના નિવેદનો નોંધાયા હતા. સુજીત બોસે અગાઉ દાવો કર્યો હતો કે આ જ મામલે CBI પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે અને તેમાં તેમનું નામ નથી. ઈડીનો આરોપ છે કે પૈસાના બદલે અયોગ્ય ઉમેદવારોને મ્યુનિસિપાલિટીમાં નોકરી આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન સુજિત બોઝના પુત્રના સોલ્ટલેક સેક્ટર-5 સ્થિત રેસ્ટોરન્ટમાંથી 45 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ઈડીના જણાવ્યા મુજબ આ રેસ્ટોરન્ટ મારફતે કાળા નાણાંને વ્હાઈટ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. આ ઉપરાંત તારાતલા વિસ્તારમાં સુજીત બોસના નજીકના એક વેપારીના ઓફિસ પર દરોડા દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા. હાલ ઈડી સમગ્ર કૌભાંડના નાણાકીય જોડાણોની વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Mumbai : મીરા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 13.61 કરોડનો માલ કર્યો જપ્ત, 10 આરોપીની ધરપકડ