calendar_todayOctober 28, 2026
World: તણાવ વચ્ચે ભારતની રાજદ્વારી ચાલ! ‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલીવાર પાકિસ્તાનને આમંત્રણ
અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. ભારતે નવી દિલ્હીમાં યોજાનારા પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ’ માટે પાકિસ્તાન સહિત SCOના તમામ 10 સભ્ય દેશોને આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણને ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન સહિત SCOના 10 દેશોને ભારતનું આમંત્રણ
ભારતે 20થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ’ (સભ્યતા સંવાદ મંચ) માટે પાકિસ્તાન સહિત શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ના તમામ 10 સભ્ય દેશોને આમંત્રણ આપ્યું છે. મે 2025માં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સૈન્ય અથડામણો પછી પાકિસ્તાનને ભારત તરફથી આપવામાં આવેલું આ પ્રથમ આમંત્રણ છે.
પાકિસ્તાનના સંસ્કૃતિ મંત્રી સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ
ભારતના સંસ્કૃતિ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ સંવાદ મંચનો પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે તિયાનજિનમાં યોજાયેલી SCOની શિખર બેઠક દરમિયાન મૂક્યો હતો, જેને સંગઠનની પરિષદે મંજૂરી આપી હતી. ભારત સરકારે પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખિચીને આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત ચીન, રશિયા, ઈરાન, બેલારુસ અને મધ્ય એશિયાના દેશો સહિત SCOના તમામ 10 સભ્ય દેશોના સંસ્કૃતિ મંત્રીઓ, 15 સંવાદ ભાગીદાર દેશો અને નિરીક્ષક દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાને હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે આ સંવાદમાં તેના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે. જો ઔરંગઝેબ ખાન ખિચી આ કાર્યક્રમમાં ભાગ લેશે, તો 2023માં યોજાયેલી SCOના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પ્રથમ પ્રસંગ હશે, જ્યારે ભારત પાકિસ્તાનના કોઈ મંત્રીની યજમાની કરશે. ઉલ્લેખનીય છે કે 2023માં તત્કાલીન પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતના ગોવામાં યોજાયેલી આ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.
ભારત SAARCની બેઠકોમાં સામેલ થયું નથી
પાકિસ્તાન સાથેના મતભેદોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2016થી જ ઇસ્લામાબાદમાં યોજાતી ‘દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંઘ’ (SAARC)ની બેઠકોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. જોકે, ભારત અગાઉ શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ની બેઠકોમાં ભાગ લઈ ચૂક્યું છે. તેમાં SCOના પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખા (RATS)ની બેઠકોનો પણ સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં ભારતે પોતાના SCO નેશનલ કોઓર્ડિનેટર આલોક ડિમરીને ઇસ્લામાબાદ મોકલ્યા હતા. આ મુલાકાત પાકિસ્તાનની SCO અધ્યક્ષતા હેઠળ યોજાનારી પ્રથમ સંકલન બેઠકમાં ભાગ લેવા માટે હતી. આ બેઠક ઓગસ્ટ 2027માં પાકિસ્તાનમાં યોજાનારી SCOના નેતાઓની શિખર બેઠકની તૈયારીઓનો એક ભાગ છે. નવેમ્બર 2024માં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે SCOની ‘હેડ્સ ઑફ ગવર્નમેન્ટ’ (HoG) બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે આગામી વર્ષે યોજાનારી SCOની ‘હેડ્સ ઑફ સ્ટેટ’ શિખર બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d