calendar_todayJanuary 29, 2026
World Leprosy Day : ગુજરાતના 25 જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર 10,000ની વસ્તી દીઠ 1 કરતાં પણ ઓછો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે કોઈપણ રોગ સામેની સૌથી મોટી લડાઈ રોગ સામે નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ભય અને સામાજિક ભેદભાવ સામે હોય છે. તેમના આ માનવીય અને સમાવેશી દૃષ્ટિકોણથી પ્રેરાઈને ગુજરાત સરકાર 30 જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત્ત દિવસ નિમિત્તે રક્તપિત્ત નાબૂદીની દિશામાં જનજાગૃતિને નવી ગતિ આપવા જઈ રહી છે.
30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે જાગૃતિ અભિયાન
ભારત સરકારની થીમ “Ending Discrimination, Ensuring Dignity” (ભેદભાવનો અંત, ગૌરવ સુનિશ્ચિત કરવો)ને અનુરૂપ ગુજરાતમાં રકતપિત્ત રોગ વિશે જાગૃતિ લાવવા માટે આગામી 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન "સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન- પખવાડિયા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ રક્તપિત્ત વિશેની ખોટી માન્યતાઓને દૂર કરવાનો અને અસરગ્રસ્ત દર્દીઓ પ્રત્યે આદર, સ્વીકૃતિ અને માનવીય ગૌરવને સુનિશ્ચિત કરવાનો છે. અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આયોજિત પ્રવૃત્તિઓ દ્વારા એ સંદેશ આપવામાં આવશે કે રક્તપિત્ત સ્પર્શ દ્વારા, હાથ મિલાવવાથી કે નજીકના સંપર્ક દ્વારા ફેલાતો નથી અને સમયસર સારવારથી દર્દી સંપૂર્ણ સાજો થઈ શકે છે.
11,640થી વધુ દર્દીઓને મળ્યું નવું જીવન
ડિસેમ્બર 2025 સુધીના આંકડા અનુસાર ગુજરાતે રક્તપિત્ત નાબૂદીની દિશામાં નોંધનીય પ્રગતિ કરી છે. હાલ રાજ્યના 25 જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર 10,000 વસ્તી દીઠ 1 કરતાં પણ ઓછો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગના સતત પ્રયાસોના પરિણામે વર્ષ 2023-24થી 2025 દરમિયાન કુલ 11,640+ નવા રક્તપિત્તના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમને સામાન્ય આરોગ્ય સેવાઓ અને વિશેષ ઓળખ ઝુંબેશ દ્વારા વિના મૂલ્યે મલ્ટી-ડ્રગ થેરાપી સાથે જોડવામાં આવ્યા છે.
ડિસેમ્બર 2025 સુધીમાં આ સંખ્યા ઘટીને 3,288 થઈ ગઈ
જો વર્ષવાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2023-24 માં 4,323 દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાં 238 બાળરોગીઓ હતા. વર્ષ 2024-25 માં, 171 બાળકો સહિત 4,033 નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025 સુધીમાં આ સંખ્યા ઘટીને 3,288 થઈ ગઈ, જેમાં 126 બાળરોગીઓની ઓળખ કરવામાં આવી હતી. એટલું જ નહીં, રક્તપિત્તનું સમયસર નિદાન અને અસરકારક નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે મિશન મોડમાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન (LCDC) શરૂ કર્યું છે. 2023-24થી ડિસેમ્બર 2025 સુધી ચાલેલા આ અભિયાન હેઠળ, 3,900થી વધુ રક્તપિત્તના કેસની ઓળખ કરવામાં આવી હતી, જેનાથી પ્રારંભિક સારવાર શક્ય બની અને વિકૃતિઓ અને અપંગતાના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થયો.
આ પણ વાંચો : Ahmedabad News: AMTSનું દેવુ પાંચ હજાર કરોડ જેટલું છે, આગામી દિવસોમાં 300 કરોડ સુધી વધી શકે