calendar_todayFebruary 21, 2026
World Mother Language Day : સંસ્કારોની જનની અને અસ્મિતાની ઓળખ એવી આપણી ગુજરાતી
આ દિવસની પસંદગી પાછળ એક સંઘર્ષમય ઇતિહાસ છુપાયેલો છે. ઈ.સ. 1952માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષા 'બંગાળી'ને બચાવવા માટે આંદોલન કર્યું હતું. પોલીસ દમનમાં અનેક યુવાનો શહીદ થયા, પણ અંતે ભાષાની જીત થઈ. આ શહીદોની સ્મૃતિમાં યુનેસ્કોએ (UNESCO) વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' તરીકે જાહેર કર્યો.
ગુજરાતી ભાષાનો વૈશ્વિક દબદબો
700 વર્ષથી વધુ પ્રાચીન એવી આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ઇન્ડો-આર્યન કુળની સમૃદ્ધ ભાષા છે. નરસિંહ મહેતા જેવા આદિકવિના વારસાથી સજ્જ આ ભાષા આજે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી.
- વૈશ્વિક પ્રસાર: તે યુ.એસ.એ., કેનેડા, આફ્રિકન દેશો અને યુ.કે.માં વસતા ગુજરાતીઓની શાન છે. લંડનમાં તે ચોથા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.
- ક્રમાંક: ભારતમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી છઠ્ઠા ક્રમે છે, જ્યારે વિશ્વ સ્તરે 6.55 કરોડ લોકો સાથે તે 26મા ક્રમે બિરાજમાન છે.
આપણો સંકલ્પ
આજના આધુનિક યુગમાં અંગ્રેજી શીખવું સમયની માંગ છે, પરંતુ અંગ્રેજીની ઘેલછામાં માતૃભાષાનું અપમાન ન થવું જોઈએ. યાદ રાખજો, જે ભાષામાં આપણે સપના જોઈએ છીએ, તે માતૃભાષા જ આપણી ખરી સંવેદના છે. જો આપણે આપણી ભાષાને જીવંત રાખીશું, તો જ આપણી સંસ્કૃતિ ધબકતી રહેશે.