calendar_todayMay 9, 2026
Yogi Cabinet Expansion : યોગી સરકારના મંત્રીમંડળનો થશે વિસ્તાર? આ નવા ચેહરાઓને મળી શકે છે એન્ટ્રી
ઉત્તરપ્રદેશની રાજનીતિમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ યોગી સરકારમાં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે, જેમાં મંગળવારની સાંજે ફેરફારની જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર બાદ લખનઉમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
9થી 10 નવા ચહેરાઓને સ્થાન મળી શકે
મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. આ મુલાકાતને સંભવિત કેબિનેટ વિસ્તરણ સાથે જોડીને જોવામાં આવી રહી છે. ચર્ચા છે કે સરકારમાં લગભગ 9થી 10 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓના વિભાગોમાં ફેરફાર પણ થઈ શકે છે.
ભુપેન્દ્ર ચૌધરીનું નામ છે ચર્ચામાં
સંભવિત નામોમાં ભુપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે અને પૂજા પાલના નામ ચર્ચામાં છે. જોકે સરકાર અથવા ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આ કેબિનેટ વિસ્તરણ દ્વારા સંગઠનાત્મક અને સામાજિક સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પછી બદલાયેલા રાજકીય માહોલમાં ભાજપ રાજ્યમાં સરકાર અને સંગઠન બંનેને નવી ઢબે ગોઠવવાની રણનીતિ પર કામ કરી રહી છે.
આથી આવનારી કેબિનેટ વિસ્તરણ માત્ર પ્રશાસનિક ફેરફાર નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ રાજકીય સંદેશ પણ માનવામાં આવી રહ્યો છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓને સામેલ કરીને પ્રાદેશિક અને જાતિગત સંતુલન મજબૂત કરવાનો પ્રયાસ થઈ શકે છે.
આ પણ વાંચો : Tamilnadu Government Formation : VCK-IUMLએ TVKને આપ્યું સમર્થન, વિજયનો સરકાર બનાવવાનો રસ્તો થયો સાફ